ગુજરાતમાં IAS-IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોકથી કૌતુક

મુખ્યમંત્રીના ધ્યાને આવતા આડેધડ પ્રવાસો અટકાયા કે બિનજરૂરી ખર્ચને અટકાવવા લાગી લગામ? સ્ટડીઝના નામે અધિકારીઓ ટુર તો નહોતા કરતા ને..? : જોકે, વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમ માટે અધિકારીઓને સામેથી વિદેશ મોકલવાની સર્જાઈ શકે છે અનિવાર્યતા

 

ગાંધીનગર : રાજયના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રાજય સરકાર દ્વારા એકએક જ રોક લગાવી દેવામા આવ્યા છે જેના લીધે સોપા સાથે કૌતુક ફેલાઈ જવા પામી ગઈ હોવાનો માહોલ સર્જાયો છે.આઈએએસ અને આઈપીએસ જેવા ઉચ્ચ અધિકારીઓના આડેધડ વિદેશ પ્રવાસ પર રાજ્ય સરકારે રોક લગાવી દીધી છે. ઉચ્ચ અધિકારીઓના વિદેશ પ્રવાસ માટેની મંજૂરીની ફાઇલ વધી જતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર બાબત ધ્યાને લીધી હતી. જેમાં કેટલાક અધિકારીઓ સ્ટડી ટૂર કે કોઇ પ્રોજેક્ટની મુલાકાત બાબતે બિનજરૂરી પ્રવાસ કરતા હોવાનું પણ જણાતા તેમણે વહીવટી તંત્રને સરકારી ખર્ચે બિનફળદાયી પ્રવાસો થતા હોય તો અટકાવવા સૂચના આપી છે.સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને સનદી અધિકારીઓના વિદેશ પ્રવાસનું પ્રમાણ વધી ગયું હતું. સત્તાવાર પ્રવાસનું કારણ આપીને જતા કેટલાક અધિકારીઓના બીનજરૂરી પ્રવાસોના કારણે સરકારી તિજોરી ઉપર ભારણ પણ આ?વી રહ્યું હતું. આ બાબત સીએમ રૂપાણીના ધ્યાને આવતા તેમણે ગંભીર નોંધ લઇને અતિ જરૂરી હોય કે રાજ્યને તેના કારણે ખરેખર ફાયદો થતો હોય તો જ ચકાસણી કરીને મંજૂરી આપવી તેવી સૂચના આપી છે. તે પછી સચિવોને સરકારી ખર્ચે પ્રવાસે જવાનું હોય તો તેનું વાજબીપણું હોય તો જ વિદેશ જવા માટે વહીવટી તંત્ર દ્વારા મૌખિક સૂચના અપાઇ છે. કેટલાક અધિકારીઓ સ્ટડી ટૂર કે પ્રોજેક્ટની મુલાકાત માટે જરૂરી ન હોય તેમ છતાં પ્રવાસ કરતા હતા. જેની પર હવે મહદ્દ અંશે રોક લાગવા સાથે સરકારની પણ બાજનજર રહેશે. જોકે, વક્રતા એ છે કે જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે તેના પ્રચાર-પ્રસાર અને આમંત્રણ આપવા માટે સરકાર સામે ચાલીને સનદી અધિકારીઓને વિદેશ પ્રવાસે મોકલી રહી છે. સરકારને સમિટ જેવા કાર્યક્રમો માટે અધિકારીઓને ફરજિયાત રીતે વિદેશ પ્રવાસે મોકલવા પડે તેવી અનિવાર્યતા પણ છે.