ગુજરાતમાં હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત

કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વધુ એક મહત્વ પૂર્ણ નિર્ણય

ભુજ કોરોનાકાળ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતમાં હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. કોરોનાના લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણોને કારણે ધંધા રોજગારમાં પડેલા ફટકાને કારણે સરકારે આંશિક રાહતનો મલમ લગાડ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમા ગુજરાતમાં હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે. નિર્ણય અનુસાર રાજ્યમાં પહેલી એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે. અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર વીજ બીલની આકારણી કરીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના સંચાલકો અને માલિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.