ગુજરાતમાં ‘લોકડાઉન’ નહીં થાય : સીએમની ધરપત

image description

ગભરાવવાની જરૂર નથી, સાવચેતી રાખીયે : વિજયભાઈ રૂપાણીએ રાજયમાં લોકડાઉનની વાત મુદ્દે કરી સ્પષ્ટતા : માસ્ક અને રસીકરણ જ કોરોનાનો ઉપાય

ગાંધીનગરઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારીને કોરોના ગાઈડલાઈનના પાલન માટે કડકાઈ દેખાડી છે. જોકે, આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોમાં ફરીથી લોકડાઉન થવાની શક્યાતોઓ અંગે ભય ફેલાયેલો છે. લોકડાઉનના ઉઠતા પ્રશ્ન અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચોખવટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, ૧૦૪, સંજીવની, એ પણ આપણે ફરી શરૂ કર્યાં છે, એટલે હું માનું છે કે જરા પણ ગભરાવાની જરૂર નથી.મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારા લોકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.બે દિવસ પહેલાં પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે ૧૦ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૪૧૫ નવા કેસ ૪ મહિના બાદ ગુજરાતમાં ૧૪૧૫ કેસ શુક્રવારે ૨૪ કલાકની અંદર નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ ૨,૮૩,૮૬૪ કેસ થયા છે અને ૨,૭૨,૩૩૨ ડિસ્ચાર્જ થયા છે. અગાઉ ૨૦ નવેમ્બરે ૧૪૨૦ કેસ નોઁધાયા હતા, જ્યારે ૯૪૮ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં ૧-૧ મળી કુલ ૪ દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક ૪,૪૩૭ થયો છે. ૧૩ જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં ૪ દર્દીનાં મોત થયાં છે.

ભાજપના નેતાઓને કોઈપણ જાહેર કાર્યક્રમો નહિ કરવા આદેશ !!

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસ વધતા હવે ભાજપને જનતાની ચિંતા થઈ છે અને તેથી જ પ્રદેશ ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ રાજ્યભરમાં સન્માન સમારોહ, જાહેર કાર્યક્રમોનું આયોજન કરશે નહીં. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે હોદ્દેદારોને આ અંગે સુચન કર્યા છે. જિલ્લા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ પ્રદેશ નેતાઓને સૂચન કર્યા છે. તેમણે કાર્યકર્તાઓને કોરોનાની ગાઈડલાઈન અનુસરવા અપીલ કરી છે. આ સાથે વધુમાં કોરોનાના રસીકરણના સેવાકાર્યમાં જોડાવા પણ કાર્યકર્તાઓને હાંકલ કરી છે જેથી કરીને કોરોના નું સંક્રમણ આગળ ન ફેલાય.ચુંટણીઓ ને કારણે રાજ્ય માં કોરોના વકર્યો છે અને હાલમાં રાજ્યમાં ચુંટણીઓ બાદ નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૬ હજારને પાર કરી ગયો છે અને હાલ ૬૧૪૭ એક્ટિવ કેસ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૮૩ હજાર ૮૬૪ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૪,૪૩૭ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૨ લાખ ૭૩ હજાર ૨૮૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૬૧૪૭ એક્ટિવ કેસ છે, જેમાંથી ૬૭ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૬૦૮૦ દર્દીની હાલત સ્થિર છે. આમ હવે ભાજપ જાહેર કાર્યક્રમો નહિ કરે કારણ કે કોરોના ફેલાવાનું જોખમ ઉભું થઈ શકે છે.