ગુજરાતમાં ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશન પ્રોજેક્ટ મંજુર

અમદાવાદ : ગુજરાતમાં વધી રહેલી ગુનાગોરીને કાબુમાં લેવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં છે. ગુનેગારોને ઝડપવા અને ગુનોખોરીને ડામવા માટે હવે ગૃહ વિભાગ દ્વારા ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશનનો અમલ કરવા માટેના પ્રોજેક્ટ પર અંતિમ તબક્કામાં કામ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં પોલીસને મોબાઇલ ફોનમાં ફેસ રેકગ્નાઇઝેશન એપ્લીકેશન આપવા આવશે. એપ્લિકેશનની એક ક્લિકથી જ આરોપીની તમામ વિગતો જાણી શકાશે. જ્યારે ગુમ થયેલ વ્યક્તિ વ્યક્તિ, બિનવારસી મૃતદેહ અંગે પણ માહિતી મેળવી શકાશે. ઇ-ગુજકોપ આ એપ્લીકેશનને જોડીને કામગીરી કરાશે.ગુનાખોરીને કાબુમાં લેવા માટે માત્ર હ્યુમન ઇન્ટેલીજન્સ જ નહી પણ ટેકનોલોજીનો ઉપયોગ ખુબ મહત્વનો છે.જેમાં ગૃહ વિભાગે સીસીટીવી સર્વેલન્સથી માંડીને ઇ ગુજકોપ સુધીની ટેકનોલોજીનો સફળ ઉપયોગ કર્યો છે. ગૃહ વિભાગ ફેસ રેકગ્નાઈઝેશન એપ્લિકેશનના પ્રોજેક્ટની મંજુરીની કામગીરી આખરી તબક્કામાં છે. ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશન અત્યાર સુધીની સૌથી આધુનિક ટેકનોલોજી ધરાવે છે. જેમાં કોઇપણ વ્યક્તિનો ચહેરો મોબાઇલમાં ક્લીક કરવાની સાથે જ ગણતરીના સમયમાં જે તે વ્યક્તિનો ગુનાઇત ઇતિહાસ જાણી શકાશે.આ ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશન તમામ વિગતો પોલીસ કંટ્રોલ રૂમને પણ પહોંચાડશે. જેથી કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવાની કામગીરી વધુ સારી રીતે થઇ શકશે. ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશન દીઠ ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશનના ૩૦ જેટલા લાઇસન્સ વર્ઝન આપવાની યોજના પણ બનાવવામાં આવી છે. જેમાં પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પેટ્રોલીંગ સ્ટાફના મોબાઇલમાં આ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેથી પેટ્રોલીંગમાં રહેલો સ્ટાફ રેકગનાઇઝેશન એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ રેકગનાઇઝેશન એપ્લીકેશનનો અમલ શરૂ થતા પોલીસ વિભાગને ડીટેક્શન રેસિયો વધારવામાં સફળતા મળશે.ફેસ રેકગનાઇઝેશન એપ્લીકેશન લાયસન્સ બેઝ્ડ એન્ડ્રોઇડ બેઝડ મોબાઇલ એપ્લીકેશન છે. જે પોલીસ અધિકારીના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાશે. જ્યારે પોલીસ પેટ્રોલીંગમાં હોય અને કોઇ શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરે ત્યારે બની શકે કે તે વ્યક્તિ સાચી હકીકત ન દર્શાવે. ત્યારે પોલીસ જે તે વ્યક્તિનો ફોટો પાડે ત્યારે આ એપ્લીકેશન માત્ર બે સેકન્ડમાં ઇ ગુજકોપને ડેટા ક્વાઉડમાં સ્કેન કરીને તે વ્યક્તિની તમામ વિગતો આપી દેશે. જેથી કોઇ વ્યક્તિ ગુનો કરીને ભાગ્યો હોય કે તે ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોય તે માહિતી એક જ ક્લીકથી મળશે. આ ઉપરાંત, પોલીસને કોઇ બિનવારસી મૃતદેહ મળી આવ્યો હોય અને તેના ડેટા ઇ ગુજકોપમાં હોય તો તેની પણ માહિતી મળી શકશે. તેવી જ રીતે લાપતા વ્યક્તિઓની માહિતી મેળવી શકાશે. ગુજરાત સરકારના ઇ ગુજ કોપમાં પોલીસ દ્વારા તમામ ડેટા નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે.હાલ રેકગનાઇઝેશન એપ્લીકેશનનો ઉપયોગ તામીલનાડુ, આંધ્રપ્રદેશ, પુડ્ડચેરી પોલીસ, રેલવે પોલીસ દ્વારા સારી રીતે કરવામાં આવી રહ્યો છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનો સાથે સંકળાયેલા અસામાજીક તત્વોને ઝડપી લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે. અને ખુબ આર્મી અને સીઆઇએસએફ દ્વારા આ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે.