ગુજરાતમાં ધારાસભ્યો-સાંસદોનું માન-સન્માન સચવાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના તમામ ધારાસભ્યો, સાંસદો, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માન-સન્માન જળવાય તે માટેની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે મુખ્ય સચિવે ડો.જે.એન. સિંઘે પણ આ બાબતે ખાસ ધ્યાન રાખવા આઈએએસ ઓફસિરોને પણ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મુખ્ય સચિવના કહેવા મુજબ, આવા કિસ્સામાં સૂચના આપવાની હોતી નથી બલ્કે, આ તો સ્ટેન્ડીંગ ઈન્સ્ટ્રકશન જ છે કે, તમામ ધારાસભ્યો, સાંસદોનું માન સન્માન સચવાય તે જરુરી છે.તાજેતરમાં મુખ્યમંત્રી ઈઝરાયેલના પ્રવાસે હતા ત્યારે વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્યો પૈકીના બે ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળીને એવી રજૂઆત કરી હતી કે, હાલની સરકારમાં અધિકારીઓ દ્વારા તેમની પૂરતી વાત સંભળાતી નથી કે, તેઓ દ્વારા તેમનું માન-સન્માન સચવાતું નથી. એની પાછળનો તેમનો આશય એવો હતો કે, સરકારી અધિકારીઓ દ્વારા તેમના આવશ્યક કામો થતાં નથી. આ બાબતે નાયબ મુખ્યમંત્રીએ તેમને યોગ્ય કરવાની હૈયા-ધારણા આપી હતી. હવે મુખ્યમંત્રી ઈઝરાઈલના પ્રવાસેથી પરત આવી ગયા છે. તેમની સમક્ષ પણ બે ધારાસભ્યોની રજૂઆતોની વાત મૂકવામાં આવતા મંત્રીમંડળની બેઠકમાં તેમના દ્વારા આ બાબતે અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. મુખ્ય સચિવે પણ આ અંગે અધિકારીઓને ખાસ ધ્યાન રાખીને ધારાસભ્યો, સાંસદો ઉપરાંત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માન સચવાય તેમ વર્તવાની સૂચના આપી હોવાનું ચર્ચાય છે..