ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહથી ચોમાસાના એંધાણ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી ૪૩ ડીગ્રીનો તાપ પડી રહ્યો છે ત્યારે આ વર્ષે સારા ચોમાસાના એંધાણ પણ મળી રહ્યા છે. સામાન્ય રીતે રાજ્યમાં ૨૦મી જૂન
પછી સારો વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે જૂનના પહેલા અઠવાડિયામાં જ જોરદાર ઝાપટાં સાથે ચોમાસાની આલબેલ શરૂ થઇ જશે.
છેલ્લા એકાદ પખાવડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો
પારો રોજબરોજ ઊંચકાઈ રહ્યો છે. લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના જાણકારોની આગાહી મુજબ રાજ્યમાં જૂનના પહેલા અઠવાડિયાથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જશે. આગાહી પ્રમાણે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ૧ થી ૫મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે. જોકે બીજી ધારણા પ્રમાણે અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતમાં ચોમાસું સાત દિવસ જેટલું મોડું પણ બેસી શકે છે. આ સિવાય કેરળમાં ૧ લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. ભારતની હવામાન એજન્સીએ આગામી ચોમાસાને નોર્મલ ગણાવ્યું છે એટલે કે દેશભરમાં સારા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ સારૂં રહેશે તેવું આ એજન્સી જણાવે છે. આ પહેલા ૨૦૧૭ અને ૨૦૧૬માં પણ ચોમાસું સામાન્ય રહ્યું હતું, પરંતુ ૨૦૧૪ અને ૨૦૧૫માં ચોમાસું નબળું હોવાના કારણે દેશને દુષ્કાળનો સામનો કરવો પડ્‌યો હતો. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જેથી ખેતી અને માનવ જીવન પર સકારાત્મક અસરો થશે તેમ માનવામાં આવે છે.