ગુજરાતમાં જળસંકટના એંધાણ..?

કચ્છમાં સરેરાશ ચાર ઈંચ જ વરસાદ તેમાંય લખપત – રાપરમાં સૌથી ઓછો

અમદાવાદઃ રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ પડયો છે. જેને લઈને ગુજરાતની જનતા પર જળસંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે સરેરાશ સિઝનનો ૭૩.૧૬ ટકા વરસાદ જ પડયો છે. તેમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છના લખપતમાં સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ પડયો છે. સરેરાશ ૪ ઈંચ જેટલો વરસાદ કચ્છમાં નોંધાયો છે. જ્યારે રાપરમાં માત્ર ૧ ઈંચ વરસાદ જ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો,ચાલુ સિઝને ઉત્તર ગુજરાતમાં સિઝનનો ૪૨.૪૯ ટકા એટલે કે માત્ર ૧૨ ઈંચ જેટલો જ વરસાદ પડયો છે. આપને જણાવી દઇએ કે, આ સિવાય બનાસકાંઠાના વાવમાં સવા ઈંચ અને સુઈગામમાં સવા બે ઈંચ જેટલો વરસાદ પડયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં ૧૯ ઈંચ વરસાદ પડયો છે. સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૫૩ ઈંચ જેટલો પડયો છે. તેમાં પણ સૌથી વધુ ડાંગના વઘઈમાં ૧૩૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના કપરાડામાં ૧૦૪ ઈંચ અને ધરમપુરમાં ૯૫ ઈંચ વરસાદ પડયો છે.