કચ્છમાંથી ૮૫૦ જેટલા પેકેટ ચરસનો જથ્થો પકડયો : પાકિસ્તાન કનેક્શનખુલતા ગુનાના મૂળ સુધી ચાલી રહેલી તપાસ

ગાંધીનગર : રાજ્યની દરિયાકાંઠા સહિતની તમામ સરહદો પરથી ચરસ-ગાંજા, દારૂ કે અન્ય કોઇ કેફી દ્રવ્ય ન પ્રવેશે તે માટે ગુજરાત પોલીસ, બીએસએફ અને કોસ્ટ ગાર્ડસંયુક્ત રીતે સક્રિય છે. કચ્છમાંથી ૮૫૦ જેટલા ચરસના પેકેટનો જથ્થો પકડાયા બાદ રાજ્યના ગૃહ પ્રધાને પ્રથમવાર નિવેદન આપીને આ અંગે સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ ચરસ મુદ્દે પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુનાના મૂળ સુધી તપાસ ચાલતી હોવાનું તેમણે કહ્યુ હતુ.
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે પત્રકારોને સંબોધતા રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું યુવાધન નશાની આદતે ન ચડે તે માટે રાજ્યમાં સઘન અને કડક ઝુંબેશ ચાલી રહી છે. કોઈ પણ ભોગે ગુજરાતનું યુવાધન નશાખોરી તરફ ન વળે તે અમારો સંકલ્પ છે અને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે, તેવુ તેમણે ઉમેર્યુ હતુ. ગુજરાતમાં દરિયાઈ સરહદ મારફતે તાજેતરમાં ઘુસાડવામાં આવેલા ચરસના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આ શ્રીજાડેજાએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ૧૬૦૦ કિમી લાંબી દરિયાઈ સરહદ છે. રાજ્યના દરિયાકાંઠા સહિતની તમામ સરહદો પરથી ચરસ-ગાંજા, દારૂ કે, અન્ય કોઇ પણ પ્રકારના કેફી દ્રવ્ય ન પ્રવેશે તે માટે રાજ્યની મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી અને બીએસએફ સંયુક્ત રીતે સક્રિય રહીને સઘન ચેકીંગ કરી રહી છે. ગુજરાત પોલીસની સતર્કતાને કારણે કચ્છમાંથી ૮૫૦ જેટલા ચરસના પેકેટનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. ત્યારે આ ગુનામાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુનાના મૂળ સુધી પહોંચવા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના યુવાધનને નશાખોરી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહેલા આવા ગુનેગારોને બિલકુલ છોડવામાં નહિ આવે અને હજુ પણ એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટેની આ પ્રકારની ડ્રાઈવ રાજ્યમાં ચાલુ જ રહેશે તેવુ ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ.