ગુજરાતના ૪૦૦૦ બૂટલેગરોની યાદી અપડેટ કરવાની કામગીરી

અમદાવાદ : ‘દારૂબંધી’ ધરાવતા રાજ્ય ગુજરાતમાં નાના-મોટા ૪૦૦૦થી વધુ બૂટલેગર સક્રિય છે. આવા નામીચા બૂટલેગરોની યાદી દર વર્ષે અપડેટ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત CID ક્રાઈમ દ્વારા ૪૦૦૦ બૂટલેગરોની યાદી ‘અપડેટ’ કરવાનું લેસન પોલીસ સ્ટેશનોને સોંપ્યું છે. આ બૂટલેગરોમાંથી કોઈ મૃત્યુ પામ્યા હોય, કોઈએ ધંધો છોડી દીધો હોય, પાસા-તડીપારની કામગીરી થઈ હોય કે રહેણાંક, દારૂના ધંધાના સ્થળ, વાહનોની વિગતો પોલીસ સ્ટેશનો પાસે CIDએ માગી છે. આ માહિતીના આધારે સી.આઈ. સેલ દ્વારા બૂટલેગરો ઉપર આગામી દિવસોમાં સકંજો કસવામાં આવશે.રાજ્યના ટોપ ૨૫ બૂટલેગરમાં ‘લીકર કીંગ‘ ગણી શકાય તેવા કૈલાસ રાઠી અને જોગીન્દરપાલ ઉર્ફે ફૌજીનું નેટવર્ક આખા રાજ્યમાં છે.
આ બન્ને બૂટલેગર હરિયાણા, રાજસ્થાનથી જથ્થાબંધ દારૂ, બિયર ગુજરાતમાં ઠાલવવાનું નેટવર્ક સ્થાનિક બૂટલેગરો સાથે ધરાવે છે. કૈલાસ ગોવિંદરામ મહેશ્વરી ઉર્ફે કૈલાસ રાઠી દિલ્હી, રાજસ્થાનથી અને જોગીન્દર દેવરાજ શર્મા ઉર્ફે ફૌજી ચંદીગઢથી દારૂનો જથ્થો ગુજરાતના મહાનગરોમાં બૂટલેગરોને મોકલે છે.અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં અકબરઅલી ઉર્ફે ઝુબેરઅલી ઉર્ફે કાલુ મહેબુબઅલીસૈયદ, હુસેન ઈસ્માઈલ ધોળકાવાલા ઉર્ફે હુસેન બાટલો, દિલીપ મારવાડી, મફો મારવાડી, અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં કિશોરસિંહ લાલસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડો, અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકાનો કાળુ છગનભાઈ રાઠોડ, ભરત ડાંગી ઉર્ફે ભરત લંગડો, અમદાવાદ-વડોદરા વિસ્તારમાં વિનોદ ઉર્ફે વિજય ઉર્ફે વિજય મુરલીધર ઉદવાણી (સિન્ધી), અશોક પાલનપુરી, રમેશ કલાલ, સુરતમાં ફીરોષ ફ્રુટ, ફીરોઝ નાલબંધ, પરેશ જેકીશન દુધવાળા, બાબુલાલ સોહનલાલ શાહ, પિન્ટુ નવાપુર, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં નાગદાન ગઢવી, અલ્તાફ, બધો રબારી, ધીરેન કારિયા સહિતના બૂટલેગરોના નામ ગુજરાતના ‘ટોપ ૨૫’ની પોલીસ યાદીમાં સમાવિષ્ટ છે.