ગુજરાતના બે પ્રધાનો કાલે કચ્છના પ્રવાસે

પ્રભારી મંત્રીશ્રી સિવાય બબ્બે મંત્રીઓને જિલ્લાના પ્રવાસ ખેડવાના અપાયેલ સુચનના ભાગરૂપે કુંવરજીભાઈ બાવળીયા અને રાજયમંત્રી ધમેન્દ્રસિંહ (હકુભા) આવતીકાલે આવશે કચ્છ : સબંધિત વિભાગોના અધીકારીઓ સાથે કરશે બેઠક : જીલ્લા ભાજપ સંગઠન સાથે પણ સાંપ્રત પ્રશ્નો અંગે કરશે પરામર્શ

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજયના સંર્વાગી વિકાસને વેગ આપવાની દીશામાં નીતનવા પ્રયાસો સતત કરવામા આવી રહ્યા છે તે દરમ્યાન જ જિલ્લાના પ્રભારીઓ ઉપરાંત પણ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ ખેડવાની સુચના થોડા સમય પહેલા જ અપાઈ હતી.તે અંતર્ગત જ કચ્છ જિલ્લાના પ્રવાસે આવતીકાલે રાજયના બે પ્રધાનો આવી રહ્યા છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ન પુરવઠા રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા આવતીકાલે કચ્છ આવશે. આ બાબતે કચ્છ જિલ્લા ભાજપના સત્તાવાર સાધનોને પુછતા બન્ને મંત્રીઓ આવી રહ્યા હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ પણ તેઓનો કાર્યક્રમ અને સમય હજુ આવવાનો બાકી હોવાનુ જણાવ્યુ હતુ. નોધનીય છે કે, બન્ને પ્રધાનો ખુદના વીભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. તો વળી જિલ્લા ભાજપ સંગઠનની સાથે પણ સાંપ્રત પ્રશ્નોને લઈને મીટીગ કરનાર છે.