ગુજરાતના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો

0

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ ની નિમણૂક : રાજ્યના ૨૧ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી : એસપી સંવર્ગના ૧૨ અધિકારીઓને ડીઆઈજી સંવર્ગમાં બઢતી અપાઇ : રાજ્યના ૪૧ જેટલા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની બદલી

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ સચિવ અને ત્રણ શહેર પોલીસ કમિશનર સહિત રાજ્યના અંદાજે ૭૪ જેટલા
પોલીસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમ કરીને પોલીસ તંત્રમાં મોટા પાયા ઉપર ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં ખાલી પડેલી શહેર પોલીસ કમિશનરની જગ્યા ભરવા તેમજ એક જગ્યાએ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી માટેનો દોર રાજ્ય સરકાર દ્વારા ગત મોડી રાતે હાથ ધરીને રાજ્યના પોલીસતંત્રમાં ધરખમ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં રાજ્યના ગૃહ વિભાગના સચિવની પણ બદલી કરવામાં આવી છે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગત મોડી રાત્રે કરવામાં આવેલા બદલી અને બઢતીના હુકમ માં સૌથી મોટા ફેરફારો માં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગૃહ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતાં આઇપીએસ અધિકારી બ્રજેશ કુમાર ઝાહ ની બદલી કરીને તેમને એડમિનિસ્ટ્રેશન ના આઈજીપી તરીકે નિમણૂક આપી ને ઇન્કવાયરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે . જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર અમદાવાદ શહેરમાં સેક્ટર ૨ ના સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રીમતી નિપુણા એમ તોરવણે ને ગૃહ વિભાગના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર માં ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અજય કુમાર તોમરની બદલી કરીને તેમને સુરત શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક
આપવામાં આવી છે. જ્યારે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આર.બી બ્રહ્મભટ્ટ ની બદલી કરીને તેમને બરોડા શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. બરોડા શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતાં અનુપમસિંહ ગેહલોત ની બદલી કરીને તેમને આઇ.બી.ના આઇ.જી તરીકે નિમણૂક આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગત મોડી રાત્રે કરવામાં આવેલા બદલી અને બઢતીના હુકમો માં ૨૧ જેટલા ઉચ્ચ આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે ૧૨ જેટલા પોલીસ અધિક્ષક કક્ષાના આઇપીએસ અધિકારીઓને ડીઆઈજી સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૧ જેટલા પોલીસ અધિક્ષક સંવર્ગ ના અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.

  • કચ્છ બોર્ડર રેન્જ આઇજી સહિત કચ્છના બંને એસ.પીની બદલી

એક સાથે ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીથી સંવેદનશીલ સરહદ કરી દીધી સુની : નવા અધિકારી આવશે સરહદનો તાગ સમજશે ત્યાં સુધી તો ભ્રષ્ટ ખાખીધારીઓ અને ગોરખધંધાર્થીઓને મળી જશે મોકળુ મેદાન

બોર્ડર રેન્જ આઈજી તરીકે જે.આર મોથાલિયાની નિમણૂક : ભુજ પોલીસ અધિક્ષક તરીકે સૌરભ સિંગની નિમણૂક : ગાંધીધામ એસપી તરીકે મયુર પાટીલ : ભુજ ઈન્ટેલિજન્સમાં પોલીસ વડા તરીકે ભગીરથસિંહ જાડેજા મુકાયા : જિલ્લામાંથી બદલાયેલા ત્રણેય વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની કામગીરી કાબિલેદાદ

સીમાવર્તી કચ્છને સરહદના ભોમિયાની સાલશે સદાય ખોટ

  • ને ગાંધીધામના ભારતનગરમાં લોકોએ આઈજીપી શ્રી ત્રિવેદીને તાળીએ વધાવેલા

  • ખનિજચોરો, બૂટલેગરો, તેલચોરો સહિતના ગોરખધંધાર્થીઓ સહિતના  ફરી આવી જશે ગેલમાં, આઈજી ત્રિવેદીની ધોકા પછાડ ધાક બેસાડતી લાલઆંખથી આ તમામ ગોરખધંધાર્થીઓ ઉતરી ગયા હતા ભુર્ગભમાં

ભુજ : કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં એક એવું નામ જેનાથી ભલભલા ચમરબંધીઓ પણ થરથર કાપે. આવા ધાકડ અધિકારીને જ્યારે કોરોનાની કામગીરી દરમિયાન ગાંધીધામના ભારતનગરમાં તાળીઓ સાથે લોકોએ વધાવતા તેમની આંખના ખુણા પણ લાગણીથી ભીંજાયા હતા.પોલીસ પ્રજાનો મિત્રની ઉક્તિને કચ્છના બોર્ડર રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદીએ સાર્થક કરી છે. તેમનો કચ્છનો કાર્યકાળ કચ્છીઓ કયારેય નહી ભૂલી શકે. કચ્છમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમણે અનેકવિધ પગલાઓ લીધા. તેમના આવ્યા બાદ કોલસાના કાળા કારોબાર, ખનીજ ચોરી પર રીતસરની ધોંશ બોલાવાઈ હતી અને આવી ગેરપ્રવૃતિઓ કરનારાઓને બરાબરનો પાઠ ભણાવાયો હતો. તો કચ્છની બોર્ડર સુરક્ષા માટે હર હંમેશ સજાગ રહેનારા આ વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ રણ વિસ્તાર અને કોસ્ટલ એરિયામાં પોલીસ કામગીરીને વધુ સક્રિય કરી જેની ફલ શ્રૃતિ સ્વરૂપે કચ્છમાં થતી નાયક ઘુસણખોરી અને ડ્રગ્સ-ચરસના જથ્થાઓનો પર્દાફાશ થયો. હાલ તેમના નેતૃત્વમાં જ બેઝ ઓઈલ અને અખાદ્ય ગોળ પર કાર્યવાહીઓ ચાલી રહી છે. તેઓની કામ કરવાની પદ્ધતિ જ અલગ હતી. કોઈ એક ટાર્ગેટ નક્કી કરીને એ બદીઓને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા તેઓ ધરાવતા હતા અને મોટે ભાગે સફળતા પણ મળી છે. કચ્છમાં કાયદો વ્યવસ્થાની ધાક દેખાડનારા આ અધિકારીને કચ્છમાંથી બદલી તો થઈ ગઈ છે પણ તેમના દ્વારા થયેલી કામગીરી કચ્છીઓ કયારેય નહી ભૂલી શકે. કોરોનાના કપરા કાળમાં પણ એક કોરોના વોરિયરની જવાબદારી નિભાવવામાં ખુદ ભુજ-ગાંધીધામના માર્ગો પર ઉતરીને લોકોના જીવ જોખમમાં ન મૂકાય અને કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સતત સક્રિય રહ્યા. પોલીસ અધિકારી-કર્મચારીઓની ફરજમાં બેદરકારી તેઓ સાંખી ન લેતા. પોલીસે નિષ્ઠાનો પાઠ પણ તેમણે વાર્ષિક ઈન્સ્પેકશનમાં ભણાવ્યો છે અને જ્યાં પણ પોલીસની બેદરકારી દેખાઈ ત્યાં સસ્પેન્શનની કાર્યવાહી કરીને પોલીસની નિષ્ઠાનું ભાન ખાખી ધારીઓને કરાવતા ખચકાયા નહી. જિલ્લાનો સામાન્ય માણસ પણ તેમની ચેમ્બરમાં જઈને પોતાની મુશ્કેલી રજૂ કરે તો તેને ચોક્કસ ન્યાય મળતો. તેમની કાબિલેદાદ કામગીરીની ગાંધીધામના ભારતનગરના લોકોએ નોંધ લઈને કોરોના વખતે તેઓ માર્ગો પરથી પસાર થયા ત્યારે લોકોએ તાળીઓ પાડીને તેમને વધાવ્યા હતા. લોકોનું આ સન્માન જોઈને ધાકડ અધિકારીની સંવેદના પણ છલકાઈ હતી અને તેમની આંખના ખુણા પણ ભીંજાયા હતા. ત્યારે આવા ઝાંબાજ અધિકારી કચ્છમાંથી ભલે બદલી પામે પણ કચ્છીઓના હૃદયમાં તેમનું સ્થાન કાયમ રહેશે.

  • ખંંડણીખોર, બળાત્કારીઓ અને લૂંટારૂઓને પરીક્ષિતા રાઠોડે બતાવ્યો પરચો

ગાંધીધામ : પૂર્વ કચ્છના બદલી પામેલા મહિલા આઈપીએસ અધિકારી પરીક્ષિતા રાઠોડની કામગીરી કાબિલેદાદ રહી છે. એસપી પરીક્ષિતા રાઠોડે ખંડણીખોરો, બળાત્કારીઓ, લૂંટારૂઓ, તેલચોરો, હત્યારઓ પર કાયદાનો સંકજો કસીને કાયદો વ્યવસ્થા જાળવવામાં મહત્વની કામગીરી કરી છે. પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં એસપી પરીક્ષિતા રાઠોડ અનેક મહત્વના પગલાંઓ લઈને ખાખીનો રૂત્બો દેખાડ્યો છે. એક મહિલા આઈપીએસ હોવા છતાં તેમણે કરેલી કામગીરી પોલીસની સાંખમાં વધારો કરે તેવી રહી છે. ગાંધીધામમાં ખંડણીખોરોના ત્રાસ અને તેમના દ્વારા કરાયેલી હત્યામાં પરીક્ષિતા રાઠોડની રાહબરી તળે હરિયાણાથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તો ભચાઉના યશોદાધામમાં ૪ વર્ષિય બાળકી પર આચરાયેલા દુષ્કર્મીને પણ તેમની ટીમે કુનેહભરી કામગીરી કરીને ઝડપી પાડ્યો હતો. તો પૂર્વ કચ્છમાં એટીએમ અને આંગડિયા લૂંટના બનાવોમાં આરોપીઓને દબોચી લેવામાં તેમને સફળતા મળી છે. જયારે હાલ જ હમીરપર હત્યાકાંડમાં પણ ધાક બેસાડતી કામગીરી કરી હતી. તાજો જ બનાવ યાદ કરીએ તો મહારાષ્ટ્રથી પાકિસ્તાનમાં પોતાની પ્રેમીકાને મળવા જતા યુવાનને દુશ્મન દેશમાં જતો અટકાવવામાં તેમની સંકલન ભરી કામગીરીને યશ અપાવી શકાય. આ ઉપરાંત એક મહિલા આઈપીએસની સંવેદનાત્મક કામગીરી પર નજર એક હાથે કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે તેમણે બીજા હાથે પરોપકારના કાર્યો પણ કર્યા છે, જેમાં કોરોના વખતે શ્રમજીવીઓને વખતો વખત જમાડી તેમના માટે અન્ય વ્યવસ્થાઓ પુરી પાડી ખરા અર્થમાં પોલીસ પ્રજાના મિત્રની ઉક્તિને તેઓએ સાર્થક કરી છે. આ ઉપરાંત ભર શિયાળામાં ઠંડીથી ઠુઠવાતા ગરીબો અને રખડતા ભટકતા ભિક્ષુકોને તેમણે ધાબડા ઓઢાળીને તેમની ચિંતા પણ આ મહિલા આઈપીએસ અધિકારીએ સેવી છે. પૂર્વ કચ્છમાં પરીક્ષિતા રાઠોડ એસપી તરીકે કરેલી કામગીરી કચ્છવાસીઓ કયારેય ભુલી શકે તેમ નથી. આવા સેવા નિષ્ઠ અધિકારીની કચ્છમાંથી બદલી થઈ છે ત્યારે કચ્છીઓને તેમની ખોટ સાલે તેમાં કોઈ બે મત નથી.

  • સૌરભ તોલંબિયાએ સંવેદનશીલ અધિકારી સાથે ધાક બેસાડતી કામગીરીની છોડી છાપ

    image description

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયાની કામગીરી પણ કચ્છ માટે યાદગાર રહે તેવી છે. તેમણે એક સંવેદનશીલ અધિકારી અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ધાક બેસાડતી કાર્યવાહી કરનાર અધિકારી તરીકેની છાપ લોક હૃદયમાં છોડી છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાનો કચ્છનો કાર્યકાળ નોધનીય રહ્યો છે. એસપી તોલંબિયાએ બોર્ડર વિસ્તારમાં ચૂસ્ત કાર્યવાહી કરી છે. જે દેશની સુરક્ષા માટે મહત્વની ગણી શકાય. તેમના કાર્યકાળમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને દબોચી લેવાયા તો હાલ કચ્છના કાંઠાળ વિસ્તાર અને ક્રીકમાંથી મળતા ચરસના જથ્થામાં રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી સાથેનો તેમનું સંકલન તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ અને પોલીસની સંકલન ભરી કામગીરી માટે તેમનું યોગદાન મહત્વનું ગણાવી શકાય. તો રૂક્શાના મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં તેમની કુનેહભરી કામગીરી જોવા મળી હતી. આ ઉપરાંત કચ્છના હથિયારકાંડમાં પણ તેમનું માર્ગદર્શન અને સુઝબુઝથી કચ્છ પોલીસે રાજ્ય વ્યાપી શસ્ત્રકાંડના પર્દાફાશમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. હાલ જ જુણામાં પોલીસ પર થયેલા હુમલાના બનાવમાં તેમણે ખાખીને લોહીલુહાણ કરનાર આરોપીઓને બરાબરનો પાઠ ભણાવીને ખાખીનો પરચો બતાવ્યો હતો. કોરોનાના કાળમાં તેમણે કાયદો વ્યવસ્થા જાળવવા અને સરકારશ્રીની ગાઈડલાઈનના ચૂસ્ત અમલ માટે સદાય ખડપગે રહ્યા હતા. લોકોના જીવ જોખમમાં ન મુકાય તેને પ્રાથમિકતા આપીને થોડા કડક બની પણ તેમણે પોતાની કામગીરી સુપેરે બજાવી. આ ઉપરાંત જરૂરતમંદોને બહારથી દવાઓ પહોંચતી કરવામાં તેમની આગેવાનીમાં પશ્ચિમ કચ્છ પોલીસે સેવાનું કામ પણ કર્યું. સંવેદનશીલ અધિકારી તરીકે તેમણે હોટલ પ્રિન્સના જૈફ વયના મેનેજર પર થયેલા હુમલાની ઘટના બાદ તેઓ ખબર અંતર પુછવા તેમના ઘેર પહોચ્યા હતા. અને આવુ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એેસપી સૌરભ તોલંબિયાનો કચ્છનો કાર્યકાળ પણ લોકો માટે હંમેશા યાદગાર રહેશે.