ગુજરાતના નવા પાટીદાર સી.એમ. કોણ?

ગુજરાતમાં સરકારનું સ્વતંત્ર સંચાલન થઈ શકે તે મા૮ે નિતીનભાઈ પટેલને લોકસભા લડાવી કેન્દ્રમાં અપાઈ શકે છે પ્રમોશન

રૂપાલા પર ઢોળાશે કળશ  ઝડપથી નિર્ણય લેવા કેન્દ્રીય દબા

જો કે, રૂપાલાજી ખુદ કહે છે ‘‘આ અફવા સારી છે’’..!

ગાંધીનગર : ભાજપને દેશમાં આગળ લાવનારા નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમના સ્થાને પરસોત્તમ રૂપાલા મુખ્ય પ્રધાન માટે શ્રેષ્ઠ ઉમેદવાર હતા. પણ રાજકીય ગણિત માટે તેમના સ્થાને આનંદીબેન
પટેલ અને ત્યાર બાદ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા હતા. તેમ છતાં ગુજરાતમાં ભાજપમાં રાજકીય સ્થિતી સુધરવાના બદલે આજે બગડી રહી છે. તેથી દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત ભાજપના હીતમાં નવા મુખ્ય પ્રધાન કોણ એ દિશામાં છેલ્લાં કેટલાંક દિવસથી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સર્વાનુમતે એવું નક્કી થયું છે કે, ગુજરાતના લોકોના દિલ જીતી શકે અને ભાજપને લોકસભા અને આગામી વિધાનસભાની ચૂંટણી જીતાડી શકે એવા મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવા.
આ માટે કેન્દ્રના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાને ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવા એવું આંતરિક રીતે નકકી કરવામાં આવી રહ્યું છે. જોકે, હજુ કેટલીક બાબતો તેમાં સ્પષ્ટ થતી નથી. જોકે, ભાજપના પ્રવક્તા આ બાબત અંગે ઈન્કાર કરી રહ્યા છે. પણ આંતરિક સૂત્ર કહે છે કે, આ નિર્ણય એકદમ ઝડપથી લઈ લેવો એવું પણ નક્કી કરવા માટે દબાણ છે. નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં કોઈ સ્થાન લઈ શકે તેમ હોય તો તે અમિત શાહ અને બીજા પરસોત્તમ રૂપાલા છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને તેમના સ્થાને કોણ મુખ્ય પ્રધાન બને તે અંગે રૂપાલા પહેલેથી પ્રજામતમાં આગળ હતા. પણ ભાજપની આંતરિક સત્તાની ખેંચતાણના કારણે
રૂપાલા બની શક્યા નહીં. તેમના સ્થાને આનંદીબેન પટેલને બનાવાયા તો તેમની સામે આંતરિક દાવપેચ થયા અને અનામત આંદોલનને તેઓ યોગ્ય રીતે ઉકેલી ન શક્યા તેથી તેમને ખસેડીને વિજય રૂપાણીને લાવવામાં આવ્યા હતા. ત્યારે એવું એક ચિત્ર હતું કે તેઓ બિન વિવાદાસ્પદ હોવાથી ગુજરાતમાં બગડેલી બાજી સુધારી શકે તેમ છે. પણ નિતીન પટેલનું નામ મુખ્ય પ્રધાન તરીકે હતું. તેઓ યોગ્ય ઉમેદવાર હોવા છતાં તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારે પણ એવું હતું કે તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. પણ તેમને નજીવા ખાતા ફાળવીને નાયબ મુખ્ય પ્રધાનને ન છાજે એવા ખાતા આપવામાં આવ્યા હતા. તેથી તેઓ નારાજ થયા હતા અને દિલ્હી મોવડી મંડળ સામે તેમણે અવાજ ઉઠાવીને નાણાં ખાતું માંગી લીધું હતું. જે ભાજપના મોવડી મંડળને પસંદ પડ્યું ન હતું. તેથી હવે નવા મુખ્ય પ્રધાન બની રહ્યાં છે તે સૌરાષ્ટ્રના પાટીદાર હોવાથી ફરી એક વખત નિતીન પટેલ માટે મુશ્કેલી થઈ શકે તેમ છે. તેથી તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવવા માટે નિતીન પટેલને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે એવી પણ શક્યતા તપાસવામાં આવી રહી છે. જેથી પરસોત્તમ રૂપાલા ગુજરાતમાં મોકળાશથી સત્તા સંભાળી શકે. તેઓ પોતાની રીતે સરકાર ચલાવી શકે.ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનું ધોવાણ થયું છે તેથી તેમાં ગ્રામ્ય નેતા તરીકે જો કોઈ સુધારો કરી શકે તેમ હોય તો તે રૂપાલા છે. આ ફેરફાર એટલા માટે કરવા હવે જરૂરી બની ગયા છે કે લોકસભાની ગુજરાતની તમામ ૨૬ બેઠકો હાલ ભાજપ પાસે છે. તે તમામ ફરી ભાજપને મળે તો જ કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર બની શકે તેમ છે. હવે નરેન્દ્ર મોદી જો આકરો નિર્ણય ન લે તો ગુજરાતમાં ૧૦ બેઠક ભાજપ ગુમાવે તેવી સ્થિતી આવીને ઊભી છે. તો તેમાં કોઈ સુધારો કરી શકે તેવા કોઈ નેતા હોય તો તે એક માત્ર પરસોત્તમ રૂપાલા છે. તેઓ ગ્રામ્ય મતદારોને સારી રીતે સમજે છે અને સારી રીતે રીજવી શકે તેમ છે. તેથી ગુજરાતમાં ભાજપના હવે પરસોત્તમ રૂપાલાની અત્યંત આવશ્યકતા ઊભી થઈ છે. ભાજપમાં આ અંગે ગઈ કાલે મંથન થયું હતું. મોડી રાત સુધી બેઠક પણ અલગ અલગ તબક્કે થઈ રહી છે. જેમાં પરસોત્તમ રૂપાલાને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ એવી સર્વસામાન્ય લાગણી જોવા મળી છે. પરસોત્તમ રૂપાલાને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમને સરકારમાં એક સારું પદ મળી રહ્યુંં છે તેવી વાત સામે આવી છે, તેના જવાબમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘આ અફવા સારી છે.’