ગુજરાતના નવા ડીજી શ્રી ભાટીયાની ખાસિયાતો છે અનેક શાંત સ્વભાવ-ગુના-ગુનેગારો સામે તેજાબી તપાસના માહિર

0
image description

અ’બાદ બ્લાસ્ટથી લઈ કચ્છના જયંતિ ભાનુશાલી મર્ડર કેસ ઉકેલમાં ચાવીરૂપ ભૂમીકા

ગુજરાત રાજયના ડીજી ફેરબદલ અને તેમાય પારદર્શક-તટસ્થ-કડક અધિકારીની છબી ધરાવનારને જવાબદારી મળતાં કચ્છમાં પણ ગોરખધંધાર્થીઓ પર હવે તવાઈ બોલાવાનું ફરીથી શરૂ થાય તો નવી નવાઈ નહી..

ગત ડીજીના રાજમાં કચ્છમાથી વિખાયેલ અથવા તો વેરવિખેર કરી દેવાયેલ આર આર સેલની પણ ફરીથી વેળાસર રચના થવાના ઉજળા સંકેતો

પોલીસ ખાતાને ઘણા લાંબા સમય બાદ પોઝીટીવ સ્વભાવ ધરાવનારી વ્યકિત સુકાની તરીકે મળ્યા છે : કચ્છમાં પણ પોલીસનું મોરલ ઉંચકાશે, ચેકપોસ્ટો પણ હવે ચાલુ થવાની વધતી શકયતાઓ : ગુન્હેગારોને એક જિલ્લામાથી બીજા જિલ્લામાં જવુ હોય તો ચેકપોસ્ટોનો રહેતો હોય છે મોટો ભય

ગાંધીનગર : પોલીસ વડાના દાવેદારો પૈકી એકે સિંઘ ઓકટોબર ૨૦૨૦ અને રાકેશ અસ્થાના જુલાઇ ૨૦૨૧માં વયનિવૃત્ત થાય છે, નવા પોલીસ વડા એ વડાપ્રધાન મોદીની પસદં છે.ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે. તેમણે ગુજરાતમાં મોદીના સમયમાં અનેક મહત્વના પાસાઓની જવાબદારી સંભાળી છે. તેઓ ૧૯૮૫ બેચના આઇપીએસ અધિકારી છે. અમદાવાદના પોલીસ કમિશનર બન્યા પછી સીધા તેઓ રાજયના પોલીસ વડા બન્યાં છે.આશિષ ભાટીયાનો જન્મ હરિયાણામાં થયો છે. તેમણે બીઇ મિકેનિકલનો અભ્યાસ કર્યેા છે. ૨૦૧૬માં તેઓ સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂકયાં છે. સીઆઇડી ક્રાઇમના વડા તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. તેઓ મે ૨૦૨૨ સુધી આ પદ પર રહી શકશે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જો તેમને એકસટેન્શન ન મળે તો ચૂંટણી નવા પોલીસ વડાની નિગરાનીમાં યોજાશે.ગુજરાતના સિનિયર ઓફિસરો પૈકી ૧૯૮૪ની બેચના રાકેશ અસ્થાના અને ૧૯૮૫ બેચના એકે સિંઘ પણ રાજ્ય પોલીસ વડાના પદ માટે દાવેદાર હતા પરંતુ કેન્દ્ર સરકારે આશિષ ભાટીયાની પસંદગી કરી છે. રાકેશ અસ્થાના જુલાઇ ૨૦૨૧માં તેમજ એકે સિંઘ ઓકટોબરમાં વયનિવૃત્ત થાય છે.અમદાવાદમાં ૨૦૦૮માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં જોઇન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને તેમની ટીમે ૨૦ દિવસમાં કેસ ઉકેલીને ૩૦ જેટલા આરોપીઓને પકડા હતા. એ ઉપરાંત તેમણે ૨૦૦૮ના લઠ્ઠાકાંડમાં આરોપીઓને પકડવામાં, ૨૦૧૮માં બીટકોઇન કૌભાંડનો પર્દાફાશ કરવામાં અને ૨૦૧૯માં જંયતિ ભાનુશાલી મર્ડર કેસમાં મોટી સફળતા મેળવી છે.આશિષ ભાટીયાની વિશેષતા એવી છે કે તેઓ શાંત પ્રકૃત્તિ ધરાવે છે. તેઓ ભાગ્યેજ સાથી ઓફિસરો પર ગુસ્સે થાય છે. ૨૦૦૧માં રાજય સરકારે તેમને પોલીસ અને ૨૦૧૧માં પ્રેસિડેન્ટે તેમને મેડલ આપ્યો હતો. પોલીસ અધિકારીઓમાં તેમની ગણના પ્રિવેન્શન ઓફ ક્રાઇમના માસ્ટર તરીકે થાય છે. તેઓ કોઇપણ આરોપીની સાત-આઠ કલાક સુધી એકધારી પૂછપરછ કરી શકે છે. ડેટાબેઝના આધારે ગુનાઓની તપાસ કરવામાં તેમની પક્કડ સારી છે. નોધનીય છે કે, રાજયના પોલીસ વડા તરીકે શ્રી ભાટીયાની નિમણુક થવા પામી જતા કચ્છના પોલીસ બેડામાં પણ નવા પ્રાણ ફુકાંશે અને તટસ્થ તથા પારદર્શક અધિકારીઓના નૈતિક બળને પણ મજબુત ટેકો મળશે અને જિલ્લામા અબડાસાથી લઈ અને વાગડ સુધી ફાટીને ફુલેકે ચડી ગયેલા ગુન્હેગારો પર પણ ફરીથી ધોંષ બોલાવી અને કાયદો વ્યવસ્થાને વધારે સુદ્રઢ બનાવવાઆ આવે તો નવી નવાઈ નહી કહેવાય.