ગુજરાતના ગૃહ વિભાગના નવા અધિક મુખ્ય સચિવ કોણ થશે ?

ગાંધીનગર : રાજ્યના ગૃહ વિભાગ જેવા અત્યંત મહત્ત્વના વિભાગના અધિક મુખ્ય સચિવપદે હાલ કાર્યરત ૧૯૮૪ બેચના આઈએએસ ઓફિસર એમ.એસ. ડાગુર ૩૧મી જુલાઈએ વય-નિવૃત્ત થવાના છે જેની આડે ગણતરીના દિવસો છે ત્યારે સચિવાલયમાં અત્યારથી જ ગૃહ વિભાગના નવા અધિક મુખ્ય સચિવ કોણ થશે તેની ચર્ચાએ જોર પકડ્‌યું છે. કેટલાક જાણકારોના મતે આ પદે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશના એમ.ડી. ૧૯૮૫ બેચના આઈએએસ ઓફિસર આનંદમોહન તિવારીને નિયુક્તિ અપાય તેવી શક્યતા છે.
મુખ્ય સચિવ ડો.જે.એન. સિંઘ ૧૯૮૩ બેચના એકમાત્ર આઈએએસ ઓફિસર છે. જ્યારે ૧૯૮૪ની બેચમાં હાલ નાણા વિભાગના અધિક મુખ્ય સચિવપદે નિયુક્તિ પામેલા અરવિંદ અગ્રવાલ તથા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ
એમ.એસ.ડાગુર એમ માત્ર બે છે. અરવિંદ અગ્રવાલ હાલમાં વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવપદે છે જ અને તેમને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે એટલે હવે તેમને ગૃહ વિભાગની નવી કોઈ જવાબદારી આપી શકાય તેમ નથી. એવામાં એમ.એસ. ડાગુર જુલાઈના અંતમાં વય-નિવૃત્ત થશે તો ગુજરાતમાં ૧૯૮૪ બેચના અરવિંદ અગ્રવાલ એકમાત્ર તે બેચના અધિકારી રહેશે.
રાજ્યમાં ૧૯૮૫ બેચના પાંચ તથા ૧૯૮૬ બેચના છ આઈએએસ છે. ૧૯૮૫ બેચના ઓફિસરોમાં સુજીત ગુલાટી હાલ ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ છે પણ તેઓ ભારત સરકારમાં સચિવપદે એમ્પેનલ્ડ છે. અન્ય ઓફિસરોમાં ડી.એન. પાંડે વડોદરા ખાતે રિહેબિલિટેશન પ્રભાગના સીઈઓ છે. આનંદ મોહન તિવારી, વડોદરા ખાતે જીએસએફસીના એમ.ડી. છે. પ્રેમકુમાર ગેરા ગુજરાત આલ્કલીઝના એમ.ડી. છે. પૂનમચંદ પરમાર આરોગ્ય વિભાગમાં અધિક મુખ્ય સચિવ છે. ૧૯૮૬ બેચમાં છ ઓફિસરોમાંથી એકમાત્ર સંગીતા સિંઘ જ અધિક મુખ્ય સચિવ છે. બાકીના ઓફિસરો અગ્ર સચિવપદે છે.હાલની સ્થિતિએ ૧૯૮૪ બેચના એમ.એસ. ડાગુર વય-નિવૃત્ત થશે તો તેમના સ્થાને ૧૯૮૫ બેચના કોઈ ઓફિસરને નિયુક્તિ આપવાની થશે.