ગુંદીયાળી-ત્રગડી માર્ગે બંદુકધારી ઝડપાયો

દેશી હાથ બનાવટથી પરવાના વગરની બંદુક સાથે ત્રગડીના શખ્સને એલસીબીએ પકડી પાડી માંડવી પોલીસના હવાલે કર્યો

માંડવી : તાલુકાના નાની ગુંદીયાળીથી ત્રગડી જતા રસ્તે મોરાવાળી સીમમાંથી મોડી રાત્રે એલસીબીએ એક શખ્સને દેશી બંદુક સાથે પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એન. પંચાલની રાહબરી તળે એલસીબી સ્ટાફ ગતરાત્રીના માંડવી તાલુકાના ગામોમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે નાની ગુંદીયાળીથી
ત્રગડી જતે મોરાવાળી સીમમાં આવતા બાતમી હકિકત આધારે ત્રગડી ગામના વનરાજસિંહ મોહનસિંહ જાડેજા (ઉ.વ.રપ)ને પકડી પાડ્યો હતો તેના પાસેથી દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી. ગેરકાયદેસર પરવાના વગરની દેશી બંદુક કિં.રૂ. ૧૦૦૦ આંકી તેના સામે સહાયક ફોજદાર નૂરમામદ મંધરાએ માંડવી પોલીસ મથકે આરોપી સામે આર્મ્સ એકટ હેઠળ ફોજદારી નોંધાવી હતી. આરોપીએ દેશી બંદુક કયાંથી મેળવેલ અને તેનો શું ઉપયોગ કરતો હતો તે વિગતો મેળવવા માંડવી પીએસઆઈ શ્રી પાતીયાએ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.