ગુંજન સક્સેનાનું ટ્રેલર રિલિઝઃ જાહાન્વી કપૂર વાયુસેનાની ફ્લાઇંગ ઓફિસરમાં જોવા મળી

0

મુંબઇ,બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની અપકમિંગ ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં જાહન્વી દમદાર રોલમાં જોવા મળી છે.ફિલ્મના ટ્રેલરમાં જાહન્વી કપૂર ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ ઓફિસરના રોલ જોવા મળી છે. ફિલ્મમાં ગુંજન સક્સેનાનાં જીવનને એકદમ બારીકાઈથી બતાવવામાં આવ્યું છે. કારગિલ યુદ્ધની પણ થોડી ઘણી ઝલક જોવા મળી હતી. ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુંજન સક્સેના વાયુસેનામાં જોડાયા બાદ કેવા પરિવર્તન આવ્યા હતા. કેવી રીતે ગુંજનને એક સ્ત્રી હોવાને કારણે નબળાં સમજવામાં આવતા અને તેમને સતત નીચાજોણું થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અનેક પડકારોનો સામનો કરીને ગુંજન સક્સેના ભારતીય વાયુસેનાના જાંબાઝ પાઈલટ બને છે. કારગિલ ગર્લના નામથી લોકપ્રિય થયેલા ગુંજન સક્સેનાએ કારગિલ યુદ્ધમાં બતાવી આપ્યું કે એક મહિલા પણ યુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ ચલાવી શકે છે અને સક્રિય ભૂમિકા ભજવીને યુદ્ધનું પરિણામ બદલી શકે છે.ટ્રેલરમાં ગુંજન સક્સેનાના પિતાનો રોલ પંકજ ત્રિપાઠીએ ભજવ્યો છે. ગુંજનના જીવનમાં પિતાનો મહત્ત્વનો ફાળો રહેલો છે. ટ્રેલરમાં ગુંજન સક્સેનાના અંગત જીવન તથા સંઘર્ષને પણ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ ૧૨ ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અંગદ બેદી, વિનીત કુમાર સિંહ પણ મહત્ત્વના રોલમાં છે.