ગાઝીપુર બોર્ડ પર ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘમાસાણઃ લાકડી-તલવારથી મારામારી

(જી.એન.એસ.)ગાઝિયાબાદ,કૃષિ કાયદા સામે દિલ્હીની બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન વચ્ચે બુધવારે ગાઝીપૂર બોર્ડર પર ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓએ ખેડૂતો સાથે મારામારી કરી અને ગાડીઓમાં તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સવારે ૧૦.૩૦ વાગ્યે ભાજપના નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ આંદોલન સ્થળ પાસે ઢોલ નગાડા લઈને ઉભા હતા. આમાંથી કેટલીક મહિલાઓ પણ શામેલ હતી. તે દરમિયાન ખેડૂતો અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. ખેડૂતોનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ અપશબ્દો કહ્યા હતા.ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, નેતાનું સ્વાગતમાં ઉભા રહ્યા હતા. તે દરમિયાન રાકેશ ટિકૈત પોતાના માણસો સાથે આવ્યા અને તેમના હાથમાં લાકડીઓ હતી. ત્યારબાદ તેમણે તોડફોડ કરી હતી. આ સાથે જ ગાઝિયાબાદ મહાનગરના ઉપાધ્યક્ષ રનીતા સિંહે જણાવ્યું હતું કે, અમે કોરોનાના નિયમોનું પાલન કરી નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં શાંતિપૂર્ણ રીતે ઉભા હતા. તે દરમિયાન જ રાકેશ ટિકૈત તેમના ગુંડા સાથે આવીને અમારી મહિલાઓ સાથે મારામારી કરી હતી. તે દરમિયાન મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી.
ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના કાર્યકર્તાઓ આંદોલન સ્થળ પર પહોંચીને ખેડૂતોને અપશબ્દો કહી રહ્યા હતા અને ખેડૂતો સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે દરમિયાન ખેડૂતો અને તેમની વચ્ચે મારામારી થઈ હતી. તો ગાઝીપૂર આંદોલન કમિટીના સભ્ય અને ખેડૂત નેતા જગતાર સિંહ બાજવાએ કહ્યું હતું કે, ગાઝીપૂર બોર્ડર પર થયેલી ઘટના ખેડૂત આંદોલનને તોડવા અને બદનામ કરવા ભાજપે ષડતંત્ર રચ્યું હતું, જે અંતર્ગત ભાજપના નેતાઓએ જાતે જ પોતાની ગાડીઓના કાચ તોડ્યા હતા. જોકે, ભાજપને આંદોલન તોડવામાં સફળતા નહીં મળે.