ગાગોદરમાં તમંચા સાથે શખ્સ ઝડપાયો

પુત્રવધુ સાથે છુટાછેડા આપ્યા બાદ કરિયાવર પરત નહી આપતા ફુટ્યો ભાંડો : ઘરમાં સંતાઈ જઈ તમંચો હોવાની ધમકી આપતા પોલીસે કરી ધરપકડ

રાપર : તાલુકાના ગાગોદર ગામે રહેતા શખ્સને પોલીસે તમંચો તથા જીવતા કારતુસ સાથે ઝડપી પાડી કોઈ ગુન્હાહીત બનાવને અંજામ આપે તે પહેલા નાકામ બનાવી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હરેશભાઈ બળદેવભાઈ ખોડ (રાજપુત) (રહે. ગાગોદર તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓની બહેનના લગ્ન ગાગોદર ગામે રહેતા સુરા હાજા પરમારના દિકરા સાથે કર્યા હતા અને સુરા હાજાએ તેઓની બહેનના છુટાછેડા આપી દીધા હતા. લગ્નમાં આપેલ કરિયાવર પરત નહી આપતા છેલ્લા કેટલાક સમયથી અવારનવાર કરિયાવર પરત આપવા માંગણી કરી હતી અને સમાજ દ્વારા મીટીંગ પણ કરવામાં આવી હતી. પરંતુ કરિયાવર પરત આપતા ન હતા. બે દિવસ પહેલા સમાજની સામાન્ય મીટિંગ મળી હતી અને તેમાં પણ કંઈ નિવેડો આવ્યો ન હતો. ગઈકાલે બપોરના ૧થી ૧ઃ૩૦ના અરસામાં સુરા હાજા પરમાર ગાગોદરથી ગોરાસર જતા રોડ પર આવેલ સ્મશાન પાસે હતો ત્યારે તેઓએ કરિયાવર આપવાની માંગણી કરતા સુરા હાજા પરમાર ત્યાંથી ભાગી ગયેલ અને ગાગોદર ગામે રહેતા હબીબ ખલીફાના મકાનમાં ઘૂસી જતા તેને પકડવા માણસો દોડેલ ત્યારે તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી કોઈ આવતા નહી મારી પાસે હથિયાર છે તેવું જણાવતા તેઓને પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ કે.બી. જાડેજા , હેડ કોન્સટેબલ કિશોરભાઈ ડોડિયા સહિતના પોલીસ સ્ટાફ ગાગોદર ગામે ધસી ગયો હતો અને આરોપી સુરાને પકડી પાડી તેની તલાસી લેતા તેના કબજામાંથી દેશી બનાવટનો તમંચો તથા બે કારતુસ મળી આવતા પ૦૦૦ની કિંમત આંકી કબજે કર્યો હતો અને તેના સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આરોપીએ તમંચો કોના પાસેથી ખરીધ્યો હતો તે જાણવા માટે આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે. ફરિયાદીએ સમય સૂચકતા દાખવીને પોલીસને જાણ ન કરી હોત તો આરોપી ખૂની ખેલ રમી ચૂકયો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી તથા આરોપી વચ્ચે એકાદ વર્ષ પહેલા આજ મુદ્દે ઝઘડો થતા બન્ને સામે સામસામે ફોજદારી નોંધાઈ હતી.