ગાગોદરની વાડીમાં આગ બુઝાવવા ગયેલા યુવકનું દાઝી જવાથી કરૂણ મોત

રાપર : તાલુકાના ગાગોદર વાડી વિસ્તારમાં લાગેલી આગ બુઝાવવા ગયેલ યુવકનું ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આડેસર પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે આ બનાવ બન્યો હતો. ગાગોદર ગામે પોતાની વાડીમાં ૧૮ વર્ષિય અમીત નામનો યુવક વાડ બનાવતો હતો ત્યારે વાડમાં એકાએક આગ લાગતા અમીત આગ બુઝાવવા દોડ્યો હતો, પરંતુ તેનો પગ સ્લીપ થઈ જતા અમીત આગની જ્વાળાઓમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. અમીતના પિતા જેશાભાઈ કેશાભાઈ પટેલ તેને તરત જ સામખિયાળીની માતૃ સ્પર્શ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. અમીતને વધુ સારવાર અર્થે ગાંધીધામ લઈ જવાતો હતો ત્યાં રસ્તામાં તેણે શ્વાસ છોડી દીધા હતા. હતભાગીની ડેડબોડીને પીએમ માટે ખસેડાઈ હતી. બનાવ અંગે આડેસરના સિનિયર પીએસઆઈ વાય.કે. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે. જુવાન દીકરો આગની ઝપેટમાં આવી જવાથી મોતને ભેટતા પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે.