ગાગોદરના આધેડને પિસ્તોલ બતાવી લૂંટ ચલાવનાર ધાડપાડુઓ મોરબીથી ઝડપાયા

રાપર : તાલુકાના ગાગોદર ગામે રહેતા આધેડ ચિત્રોડ સીમમાં આવેલ પોતાની વાડીએ હતા ત્યારે ધાડપાડુ ટોળકીએ બંદુકથી હવામાં ફાયરીંગ કરી પિસ્તોલ બતાવી પાંચ હજારની લૂંટ ચલાવી જીવલેણ હુમલો કરી ટોળકી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે છ શખ્સો સામે ફોજદારી નોંધી તપાસ હાથ ધરેલ. દરમ્યાન પૈકીના બે આરોપીઓ વાંકાનેર પોલીસના હાથે ઝડપાતા આડેસર પોલીસે બન્નેનો કબજા મેળવી ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૩-૮-૧૭ના ગાગોદર ગામે રહેતા ઘનશ્યામ રામસંગ રાજપૂત (ખોડ) (ઉ.વ.પ૪) પોતાની ચિત્રોડ ગામની સીમમાં આવેલ વાડીએ આ ત્યારે દસેક જેટલા શખ્સો બંદુક તથા પિસ્તોલ જેવા હથિયારો સાથે વાડીમાં ધસી આવ્યા હતા અને બંદુકથી હવામાં ગોળીબાર કરી તથા પિસ્તોલ બતાવી પ હજાર રોકડ લૂંટ લઈ બન્ને પગે ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી નાસી જતા આડેસર પોલીસે બળદેવ ગેલા રાઠોડ, પરબત ગેલા રાઠોડ, ગેલા હરી રાઠોડ, સુરા હાજા રાઠોડ તથા ખીમા હાજા રાઠોડ અને વેલજી હાજા રાઠોડ તેમજ અન્ય ચાર અજાણ્યા ઈસમો સામે ધાડ લૂંટ સહિતની કલમો તળે ગુનો નોંધી પીએસઆઈ એ.પી. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન વાંકાનેર પોલીસે બે આરોપીઓને મોબાઈલ ચોરી સહિતના ગુનાઓમાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછતાછમાં ચિત્રોડ ગામે વાડીમાં આધેડ ઉપર હુમલો કરી લૂંટ કરેલાની કેફીયત આપતા પીએસઆઈ એ.પી. ચૌધરી વાંકાનેર પોલીસ મથકે પહોંચી ગયા હતા અને આરોપી એજાજ ઉર્ફે એજલો કાદર શેખ (ઉ.વ.રર) (રહે. મુળ જામનગર હાલે વિસનપુરા-૧ તા.જી. મોરબી) તથા શાહરૂખ ખાન ફિરોઝખાન પઠાણ (ઉ.વ.રર) (રહે. ફુલીનગર વીસાપરા મેઈન રોડ મોરબી) નો કબજા મેળવી આડેસર લવાયા હતા. બન્ને આરોપીઓ સાથેના સહ આરોપીઓને ઝડપી પાડવા તથા બંદુક, પિસ્તોલ, વાહનો કબજે કરવા માટે બન્નેને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું.