ગાંધીનગર સિવિલમાં બેડનું વેચાણ થતું હોવાનું ખુદ સુપ્રિટેન્ડેન્ટે સ્વીકાર્યું

(જી.એન.એસ.)ગાંધીનગર,દેશ સહિત વિશ્વના દેશોમાં કોરોના મહામારીએ આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. દેશમાં અને દુનિયામાં અનેક લોકો પોતાના વતનપ્રેમના કારણે મદદરૂપ પણ થયા છે. પરંતુ અમુક લેભાગુ તત્વો આપદાને અવસરમાં ફેરવતા જોવા મળ્યા છે. અનેક લોકો ઈન્જેક્શનથી માંડીને બેડ સુધી કાળા બજાર કરી રહ્યા છે. ત્યારે કોરોનાના આતંક વચ્ચે પાટનગરમાં જ ખાટલે મોટી ખોટ અને દિવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સિવિલમાં પૈસા આપી બેડ વેચાયા હોવાની માહિતી સામે આવતા ચારેબાજુ ફિટકાર વરસી રહ્યો છે.
મહામારીમાં કેટલાક કર્મચારીઓ પૈસા લઈને ગાંધીનગર સિવિલમા બેડ ઉપલબ્ધ કરાવતા હોવાનુ સામે આવ્યું છે. બેડના વેચાણ થતા હોવાનું ખુદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટે પણ સ્વીકાર કર્યો છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ઘટનાને લઈ પત્ર પણ લખાયો છે. કર્મચારીઓ દર્દીઓને નોન કોવિડ વોર્ડમા દાખલ કરી, ત્યાંથી કોવિડ વોર્ડમા દાખલ કરાતા હતા. પરંતુ આટલી મોટી ગોલમાલ થતા હોવાના મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે કોઈ કડક કાર્યવાહી ન કરતા માત્ર પત્ર લખીને સંતોષ માન્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓને દાખલ કરવા માટે કેટલાક તત્વો મોટી રકમ વસૂલ કરી રહ્યાં છે. આ કૌભાંડમાં જાણવા મળી રહ્યું છે કે ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. પેરામેડિકલ સ્ટાફ પણ કૌભાંડમાં સામેલ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં વહિવટી તંત્ર ચોંકી ઊઠ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર મફત છે, પરંતુ તેમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાઈન લાગી રહી છે. આ સ્થિતિમાં સારવારના નામે દર્દીઓને લૂંટતી ટોળકીને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયા છે.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયુ છે, કે હોસ્પિટલનો કોઇ સ્ટાફ દાખલ કરવા માટે લાગવગ લગાવીને દર્દીના સગા પાસેથી પૈસા વસૂલ કરી રહ્યો છે. દર્દીને નોન કોવિડ વોર્ડમાં દાખલ કર્યા બાદ તેને કોવિડ વોર્ડમાં રિફર કરવામાં આવે છે.
આ પ્રકારનું કૃત્ય પેનડેમિક એક્ટના નિયમ વિરૂદ્ધ અને ગેરકાયદે છે. આવા તત્વો સામે પગલા ભરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આવા કૃત્ય આચરનારા તત્વો સામે ગુનો દાખલ કરી શિક્ષાત્મક પગલા ભરવાની તેમણે ચીમકી આપી છે.