ગાંધીનગર વિજિલન્સે રેડ કરીને દારૂનું કટિંગ કરતાં ત્રણ આરોપીઓને ઝડપ્યા

અમદાવાદમાં વિદેશી દારૂનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જુની આઈજી કચેરી પાસેના કમ્પાઉન્ડમાં રીતસર દારુનું કટિંગ થતું હોવાની ગાંધીનગર વિજિલન્સની ટીમને જાણ થઈ હતી. જેથી વિજિલન્સની ટીમે દરોડો પાડીને ૫૫૯ બોટલ દારુ અને કટિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો કબજે કર્યાં છે. મેઘાણીનગર પોલીસ દારૂ કટિંગ થવા મુદ્દે અજાણ હતી પરંતું ગાંધીનગરની વિજિલન્સની ટીમને આ બાબતની જાણ થઈ હતી. વિજિલન્સે જે જગ્યાએ દારૂ પકડવા માટે દરોડો પાડ્યો હતો તેની માત્ર ૧૦૦ મીટરના અંતરે અમદાવાદ પોલીસ કમિશ્નર પરિવાર સાથે રહે છે. જે સ્થળે દરોડો પાડવામાં આવ્યો ત્યાં આસપાસ અનેક સરકારી કર્મચારીઓ રહે છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રહે છે. તેમના ઘરની આસપાસ જ બુટલેગરો બેફામ બન્યા હોય તેવા બનાવો સામે આવ્યાં છે. આજે તેમના ઘરથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ગાંધીનગરની વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર મેઘાણીનગર વિસ્તારમાં દારુના વેપાર બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. ૨૧ અને ૨૪ ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને કન્ટ્રોલ મેસેજ કરીને મેઘાણીનગર વિસ્તારમાં દારુ વેચાતો હોવાની જાણ કોઈએ કરી હતી. જે બાતમીને આધારે મેઘાણીનગર પોલીસે ૧૦ દિવસ બાદ દરોડો પાડ્યો હતો અને એકની ઘરપકડ કરી હતી.ત્યાર બાદ આજે સવારે ગાંધીનગર વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે મેઘાણીનગરમાં દારુની ગાડીનું કટિંગ થાય છે. જેથી આ જગ્યાએ ટીમે રેડ કરતાં ત્યાં ૫૫૯ બોટલ દારૂ અને કટિંગમાં વપરાયેલા વાહનો કબજે કરીને કાર્યવાહી કરી હતી. બેફામ બનેલા બુટલેગરોના કારણે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મેઘાણીનગર વિસ્તારમાં એક પોલીસ કર્મીની ખૂબ સ્ક્રીયતાના કારણે બૂટલેગર બેફામ બન્યા છે. આ પોલીસ કર્મી ઝોન ૨.માં પણ સક્રિય હોય છે. હવે તેની સાથે અન્ય બે પોલીસકર્મી પણ સક્રિય છે.જેમાંથી એક પોલીસ કર્મી ટ્રાફિકમાં નોકરી કરે છે પણ મેઘાણીનગરમાં જ પડ્યા પાથર્યા રહે છે. વિજિલન્સ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે થયેલી રેડમાં રાજુ ચૌહાણ નામના બૂટલેગર દારૂ રાજસ્થાનથી મંગાવ્યો હતો. હવે આ અંગે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.