ગાંધીનગરમાં ૧.૨૧ લાખની લાંચ માંગનાર એસીબીની ઝપેટમાં

(જી.એન.એસ.)ગાંધીનગર,સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લામાં બોય્ઝ હોસ્ટેલ તેમજ બાલિકા વિદ્યાલયના બિલના નાણાં મંજૂર કરવાની અવેજીમાં કોન્ટ્રાક્ટર પાસે રૂ. ૧.૨૧ લાખની લાંચ માંગનાર ગાંધીનગર કચેરીના સ્ટેટ ઈજનેર એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ જતાં સર્વ શિક્ષા અભિયાન કચેરીના કર્મચારીઓમાં સોપો પડી જવા પામ્યો છે.સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સમી તાલુકાના બોય્ઝ હોસ્ટેલ તેમજ શંખેશ્વર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પેટા કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જે પેટે કોન્ટ્રાકટરે ગાંધીનગરની સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં બીલો મંજૂર થવા માટે મોકલી આપ્યા હતા. અનેક ધક્કા ખાવા છતાં બીલો મંજૂર ન થતાં કોન્ટ્રાકટર સર્વ શિક્ષા અભિયાન કચેરીના સ્ટેટ ઈજનેર નિપુણ ચંદ્રવદન ચોક્સીને મળ્યો હતો.
બીલો મજૂર કર્યાની અવેજમાં સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીએ કોન્ટ્રાકટર પાસે રૂપિયાની માગણી કરી હતી. જે વધુ પડતાં હોવાથી લાંબી રકજક થઈ હતી. અંતે સ્ટેટ ઈજનેર નિપુણ ચોકસીને મંજૂર બિલની અવેજીમાં ૧ ટકા લેખે રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું. જે રકમ રૂ. ૧.૨૧ લાખ થવા જતી હતી.કોન્ટ્રાકટર લાંચ આપવા માંગતો ન હોઈ તેણે એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને સ્ટેટ ઈજનેર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે અન્વયે મદદનીશ નિયામક કે.બી.ચુડાસમા ના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ના ઈન્સ્પેક્ટર આર. જી. ચૌધરીએ ટીમ સાથે ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાન કચેરી ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં ઔપચારિક વાતચીત કર્યા પછી સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સી રૂ. ૧.૨૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં જ એસીબીએ લાંચના છટકાનું ઓપરેશન ગુપ્ત રાહે પાર પાડી દેવામાં આવતા કચેરીના અન્ય કર્મચારીઓમાં સોપો પડી જવા પામ્યો હતો.