ગાંધીનગરમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો પર પોલીસ ત્રાટકી

(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીનગરનાં જાહેર સ્થળોએ આડેધડ વાહનો પાર્ક કરનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ડીટેઈન કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવેથી સવાર સાંજ પીક અવર્સ દરમિયાન ચેકીંગ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી રહી છે.ગાંધીનગરનાં વિકાસની સાથોસાથ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. શહેરના જાહેર માર્ગો તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ આગળ વાહન ચાલકો દ્વારા આડેધડ વાહનો મૂકી દેવામાં આવતા હોવાથી ઘણીવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. જેનાં કારણે રાહદારી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગાંધીનગરના બસ સ્ટેન્ડ આગળ પણ શટલીયા વાહનો અડીંગો જમાવીને બેસી જતા હોય છે. જેનાં કારણે સરકારી ટ્રાન્સપોર્ટ સેવાને પણ આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. ગાંધીનગરના સેકટર ૭, સેકટર ૨, સેકટર ૩, સેકટર ૧૧ સહિતના વિસ્તારોમાં પાર્કિંગની યોગ્ય સુવિધા નહીં હોવાના કારણે વાહન ચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. એમાંય સેકટર ૭ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી દવાખાના ખુલી જવાના કારણે વાહનો જાહેર રોડ પર પાર્ક કરી દેવામાં આવતા હોય છે. તે સિવાય ઘ ૨ સર્કલ નજીક પણ જાહેર માર્ગથી થોડેક દૂર દવાખાના આવેલા હોવાથી લોકો અત્રેના બસ સ્ટેન્ડ તેમજ જાહેર માર્ગ પર જ વાહનો પાર્ક કરી દેતા હોય છે.ટ્રાફિક તંત્ર દ્વારા અવાર નવાર સૂચનાઓ આપવા છતાં ખાનગી દવાખાના તેમજ વેપારીઓ આ સૂચનાઓને ઘોળીને પી ગયા છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ઝુંબેશ હાથ ધરી આડેધડ વાહન પાર્ક કરનાર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક પીઆઈ એમ. આર . પુવાર સવાર સાંજ પોતાના કાફલા સાથે નીકળીને જાહેર સ્થળોએ અડચણ રૂપ વાહનો ડીટેઈન કરવાની કાર્યવાહી કરી રહ્યા છે.