ગાંધીનગરના આદિવાડામાં વરલી મટકાનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

પેથાપુરનાં જીતેન્દ્રસિંહ ઉર્ફે મુખીનાં વરલી મટકાંના નેટવર્ક નો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાંચ

(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીનગરનાં આદિવાડામાં ગઈકાલે કલ્યાણ કોડ વર્ડ થકી વરલી મટકાંનો જુગાર રમાડનાર ૬૧ વર્ષીય વૃદ્ધ સહિત પાંચ જુગારીઓને ઝડપી લઈ પેથાપુરનાં જીતેન્દ્રસિંહ ઉર્ફે મુખીનાં વરલી મટકાંના નેટવર્કનો ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન મળીને કુલ. ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર જીતેન્દ્રસિંહ ઉર્ફે મુખીને ઝડપી લેવા દોડધામ શરૂ કરવામાં આવી છે.
પોલીસે ૬૧ વર્ષના વૃદ્ધ યાકૂબ અહેમદભાઈ શેખ (રહે પેથાપુર, જૈન દેરાસર પાસે) પાસેથી ડાયરી કબ્જે લઈ ચકાસી હતી. જેમાં ’કલ્યાણ ’ લખીને નીચે આંકડા લખવામાં આવ્યા હતા. જે અંગે યાકૂબ શેખે કબૂલાત કરી હતી કે આજે વરલી મટકાના બજારમાં ’કલ્યાણ’ ના નામે લખાવેલ આંકડા છે.બાદમાં જુગારના આંકનો જુગાર રમી રમાડતાં દીપેન સેવંતીલાલ ભાવસાર (રહે. પેથાપુર, જૈન દેરાસર પાસે), મહેશ બંસીલાલ રાણા (ઉ.૫૮,બ્લોક ૧૪૩/૬,જ ટાઈપ, સેકટર ૨૯) રાજુભાઈ ધનાભાઈ પ્રજાપતિ (ઉ. ૫૦) તેમજ જીતેન્દ્ર ઈશ્વરભાઈ મકવાણા (ઉ ૩૯, બન્ને રહે ધરતી કાર એસેસરી દુકાનની ઉપર) ની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉપરોક્ત તમામની અંગ ઝડતી લેતા તેમની પાસેથી રૂ. ૧૫ હજાર ૫૩૦ ની રોકડ રકમ મળી આવી હતી.ક્રાઇમ બ્રાંચે યાકૂબ શેખની વધુ પૂછપરછ કરતાં વરલી મટકાનું આ નેટવર્ક પેથાપુરનાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ઉર્ફે મુખી દ્વારા ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. વરલીના આંકડા લખી આગળનું વલણ જીતેન્દ્ર સિંહ ઉર્ફે મુખીને મોકલવામાં આવતું હતું. અને જે ગ્રાહક આંખ ફરક નો વરલી મટકાનો આંકડો લખાવેલો હોય અને તેને તે આંખ લાગે તો તેના પૈસા પણ જીતેન્દ્રસિંહ મારફતે ચૂકવી આપવામાં આવતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાંચે વરલી મટકાનો જુગાર રમી રમાડતા પાંચ જુગારીઓને ઝડપી લઇ જુગારના સાહિત્ય રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળીને કુલ ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર જીતેન્દ્ર સિંહે ઉર્ફે મુખીને ઝડપી લેવા દોડધામ શરૂ કરવામાં આવી છે.