ગાંધીનગરઃ મુક્તિધામમાં સીએનજીની એક ભઠ્ઠીના દરવાજાની એંગલ પીગળી ગઇ

(જી.એન.એસ)ગાંધીનગર,ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. તેનો પુરાવો સેક્ટર-૩૦ના મુક્તિધામમાંથી મળે છે. મુક્તિધામમાં ૧૦ દિવસથી ૨૪ કલાક અંતિમ વિધિ ચાલુ રહેતાં સીએનજીની એક ભઠ્ઠીના દરવાજાની એંગલ પીગળી ગઈ છે અને દરવાજાનું સ્લાઇડર ચોંટી ગયું છે. આથી એક ભઠ્ઠીનો દરવાજો બંધ ન થતાં અંતિમવિધિ હાલ પૂરતી બંધ રાખવી પડી છે. મુક્તિધામમાં ૧૦ દિવસમાં કોવિડના ૪૦ સહિત ૬૦ જેટલા મૃતદેહ આવી રહ્યા છે.કોવિડના મૃતકોના સીએનજીની ૨ ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરાય છે પરંતુ અઠવાડિયાથી કોવિડના દર્દીઓનાં મોત વધતાં સીએનજીની બંને ભઠ્ઠીમાં ૨૪ કલાક અગ્નિસંસ્કાર કરાય છે. અગ્નિસંસ્કારની વિધિ માટે ડાઘુઓને રાહ જોવી ન પડે તે માટે મુક્તિધામમાં કામચલાઉ લાકડાની ૨ ભઠ્ઠી શરૂ કરાઈ છે.સતત ૨૪ કલાક ગૅસ ચાલુ રહેવાથી તેની પાઇપલાઇન ઠંડી રાખવા માટે સતત પાણીનો સપ્લાય અપાઈ રહ્યો છે. જોકે પાણીની પાઇપ લાઇન ભઠ્ઠીથી દસેક ફૂટ દૂર હોવા છતાં તે પીગળી જતાં નવી નાખવી પડી હતી.મુક્તિધામનાં સૂત્રોએ જણાવ્યું, ૧૦ દિવસથી સીએનજીની બંને ભઠ્ઠીમાં ૨૪ કલાક અગ્નિસંસ્કારની વિધિ ચાલતી હોવાથી ભઠ્ઠીની દીવાલો સતત ગરમ રહેવાથી તિરાડો પડી ગઈ છે. હાલમાં અગ્નિસંસ્કારની વિધિ ચાલતી હોવાથી ભઠ્ઠી ઠંડી પડે ત્યારે રિપેરિંગ કરાશે