ગાંધીધામ સબરજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજોનો ભરાવો

કોમ્પ્યુટરોમાં ટેકનિકલ ખામી અને વારંવાર સર્વર ઠપ્પ થઈ જતા કામગીરીમાં વિક્ષેપ : દસ્તાવેજો બનાવવા આવનાર અરજદારોને પારાવાર હાલાકી

ગાંધીધામ : અહીંની સબ રજીસ્ટ્રારની કચેરીએ દસ્તાવેજ બનાવવાની કામગીરીનો પુષ્કળ ભરાવો થઈ જવા પામ્યો છે. કચેરીના કોમ્પ્યુટરોમાં સર્જાતી ટેકનિકલ ખામી અને વારંવાર સર્વર ડાઉન થઈ જવાને કારણે કામકાજ ખોરંભે ચડ્યું છે.
સરકારી કચેરીઓમાં યેનકેન પ્રકારે અરજદારોની કામગીરી અટવાતી જ રહે છે. કોઈ સામાન્ય કામ માટે પણ સરકારી કચેરીના બે- ચાર ધક્કા ન થાય તો તે કામ પુરૂ થાય નહીં કયારેક સ્ટાફની ઘટ હોય, કયારેક અધિકારીઓ ના હોય તો કયારેક કોઈને કોઈ કારણોસર તમારૂ કામ ટલ્લે ચડે. તેવામાં ગાંધીધામની સબ રજીસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટરની ટેકનિકલ ખામી તેમજ સર્વર ઠપ્પ થઈ જવાને કારણે દસ્તાવેજો બનાવવાની કામગીરી ખોરંભે ચડી છે. અહીં દસ્તાવેજ આવતા સેંકડો અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. અરજદારો દ્વારા રજૂઆત કરાય તો ફરજ પરના કર્મચારી, અધિકારીઓ જણાવે છે કે, ઈન્ટરનેટ ગાંધીનગર સાથે જોડાયેલું છે. તે ન ચાલે તો અમે શું કરીએ. છેલ્લા કેટલાય દિવસોથી ગાંધીધામની સબ રજીસ્ટાર કચેરીમાં આ સમસ્યા છે, પરંતુ લોકોને થતી આ સમસ્યા અંગે ઉપલી કક્ષાએ કોઈ લેખિત રજૂઆત સ્થાનીય તંત્ર દ્વારા કરવામાં આવી નથી. અને અરજદારોને માત્ર ઠાલા આશ્વાસન આપીને સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી અપાય છે. સર્વર ઠપ્પ રહેવાના કારણે દસ્તાવેજો બનાવવાની કામગીરીનો મોટાપાયે ભરાવો થઈ ગયો છે. ત્યારે જોવાનું એ છે કે, લોકોને હજુ કેટલા દિવસો સુધી આ રીતે હેરાનગતિનો સામનો કરવો પડશે.