ગાંધીધામ સંકુલમાં દબાણકર્તાઓનો નવો કારસો : દબાણ કરી- વહેંચી, નીકળી જાવ : મરો ખરીદનારનો.!

  • પાણીની એકસપ્રેસ લાઈન પરના દબાણો સાંખી ન લેવાય..!

અંજારના ડે.કલેકટર શ્રી જોષી પર ગાંધીધામની પ્રજાને વધુમાં વધુ ભરોસો છે, તેઓ જરૂરથી આવા દબાણોને હટાવશે..!

ટાગોર રોડ પરના ફ્રુટવાળા દબાણકર્તાઓ રાજકોટથી આવીને પડયાપાથર્યા છે, તેમની આજુબાજુમાં પડાવ નાખનારા કયાંના છે..? તેમના તો કેાઈ એડ્રેસ પણ નથી મળતા..અને આવા તત્વોને મોકો મળે એટલે તમામ-બધાય પ્રકારના ધંધાઓમાં પણ હાથ અજમાવી રહ્યા છે, બધાય પ્રકારના ધંધા કરી રહ્યા છે, જેમાં બધુ જ આવી જાય છે.., ટાગોરા રોડ પર આટલા મોટા ફ્રુટવાળા-શાક બકાલાવાળાઓના ખુલ્લેઆમ દબાણો નગરપાલિકા, આર એન્ડ બીને કેમ દેખાતા નથી? આર એન્ડ બીના અધિકારીના નામે કોણ ખુલ્લેઆમ ઉઘરાવી જાય છે આવા દબાણકર્તાઓ પાસેથી હપ્તા..?

રેલવે દ્વારા ભારતનગર પાછળ રેલવેલાઈનથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ખડકાયેલા પ૦થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવતી વખતે સુચક ઈશારો : રાજવીથી ભારતનગર જતા રોડ પર પણ આડેધડ ખડકાઈ ગયા છે પાક્કા દબાણો : દબાણકારો ફાટીને ચડી ગયા છે ફુલેકે, હવે તો રોડ-રસ્તાઓ પર આવી ગયા છે દબાણકારો, પાણી-ગટર, લાઈનના મેળવી લીધા છે જોડાણો

કચ્છમાં ભલભલા ચમરબંધીઓના દબાણો પર બુલડોજર ફેરવવામાં તાજા સમયમાં કોઈ અધિકારીઓને યાદ કરવામાં આવતા હોય તો ભુજના તત્કાલીન પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી અને હાલના અંજારના પ્રાંત અધિકારી શ્રી ડો.વિમલ જોષી જ છે..: અંજાર આસપાસ હાઈવે હોટલોની વાત હોય કે પછી રાજકીય માથાઓના વરસો જુના દબાણો જ કેમ ન હોય.., અંજારના પ્રાંત અધિકારીશ્રી જોષીએ આ દબાણો પર હિમંતપૂર્વક ફેરવી દીધા છે બુલડોઝર..હવે ગાંધીધામ વિસ્તારમાં પણ અંજારના ડે.કલેકટર શ્રી જોષી ભણી મંડાયા છે આશભર્યા મીટ, જરૂરથી આવા દબાણો પ્રત્યે ડો. જોષી કરશે લાલઆંખ..!

મટન માર્કેટથી લઈને ઈંડા બજાર પણ ત્યાં જ ખડકાઈ ગઈ હોવાની છે ચકચાર, કચરો પણ ત્યાં જ પસાર થતી લાઈનોમાં પધરાવી દેવાય છે,કોણ કરશે તપાસ ?

પાણીની લાઈન પરના દબાણોને દુર કરવાની સુધરાઈ કેમ નથી કરતુ હીમંત? કે પછી કોઈને ગતાગમ જ નથી? એકસપ્રેસ પાણીની લાઈન પર દબાણકારોએ પાણીના પ્લાન્ટ-સર્વિસ સ્ટેશન સહિતના ધમધમમાવી દીધા છે કોમર્શિયલ હાટડાઓ.: દબાણો કરી, વહેચી જનારા મુળ દબાણકર્તા માફીયા-માથાભારે બની ગયેલા તત્વો પર ધોંષ બોલાવાય તે જરૂરી

ગાંધીધામ : દેશના વડાપ્રધાનના સ્વપ્નનું સ્માર્ટ સીટી તથા પૂર્વ કચ્છનું ઔદ્યોગીક હબ એવુ ગાંધીધામ શહેર દબાણોના ઘોડાપુરની સમસ્યાથી ઘેરાયલું છે. તાજેતરમાં જ અહીના રાજવી ફાટકની બાજુમાં ભારતનગર વિસ્તારમાં રેલવે પાટ્ટાને અડીને આવેલા પ૦થી વધુ ખડકાઈ ગયેલા પાક્કા દબાણો દુર કરવા માટે એક નહી, બે નહી ત્રણ ત્રણ નોટીસો સ્વેચ્છાએ ખસી જવાની અપાઈ હોવા છતા પણ તેને ધોઈને પી ગયા હોય તેમ દબાણો દુર ન થતા તંત્રએ તેના પર બુલડોઝર ફેરવી દીધુ છે.રેલવે પાસે થયેલા દબાણો કેટલા શિરજોરી સાથે થયા હશે તે વિચાર તો કરો કે , દબાણકારો હવે તો સાવ રોડ પર ઉતરી આવ્યા છે. રોડ દબાવી લેવાયા હોવાની સ્થિતી સર્જાઈ છે. રોડ પર દબાણો કરી અને અહી પાણી, ગટર, લાઈટ સહિતના જોડાણો પણ આ દબાણકારો દ્વારા લેવાઈ ગયા છે. ટ્રાફિકને માટે પણ આ દબાણો રોડ પર આવી ગયા હોવાથી માથાનો દુખાવા રૂપ બની જાય છે. એટલુ નહી પણ દબાણમાં પથરાયેલા આ તત્વોને કોઈનુ વાહન કયાંય ભુલથી પણ જરા સહેજ અડકી જાય તો બધાય દબાણકારો એક ભેગા થઈ અને તે વ્યકિતને ડારા ફફરા કરતા હોવાની પણ ફરીયાદો સમયાંતરે ઉઠી જ ચુકી છે. નોધનીય છે કે, રાજવી ફાટકથી ભારતનગર પાસેના દબાણકારો તો કેટલા બધા માથાભારે બની ગયા છે તેનો અંદાજ એ જ વાત પરથી આવી જાય કે, આ દબાણો દુર કરવા માટે પોલીસ પ્રોટેકશનમાં હાજર રહેનારા પીઆઈ પર પણ હુમલો કરી દીધો હતો.આવા સમયે સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી એક નવો જ સુચક ઈશારો સામે આવવા પામી રહ્યો છે. અંતરંગ જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, દબાણો દુર કરવા હોય તો તેના મુળ સડ્ડા સુધી પહોચવુ પડશે. સહેજ ખુલીને આ બાબતે વાત માંડીએ તો ગાંધીધામ સંકુલમાં હાલમાં દબાણનો નવો નુસખો ચાલી રહ્યો છે. દબાણ કરો, ઓરડી, પાક્કા બાંધકામો કરી નાખો, અને તેને જરૂરીયાતમંદ લોકોને વહેચી નાખો. એટલે જયારે પણ તંત્રની ધોંષ કે તવાઈ બોલાવવાની વાત આવે તો મુળ દબાણકર્તા કે જે દબાણ કરી, વેચીને જતો રહ્યો છે તે તો કયાંય ચીત્રમાં આવતો જ નથી..આવામાં મરો તો જાણતા અજાણતા દબાણકર્તા પાસેથી મકાન લઈ લેનાર અથવા તો ભાડે રાખનાર હોય તેનો જ થવા પામી જતો હોય છે. એટલે હકીકતમાં તો દબાણો કરીને વેચી જનારા શખ્સો કે જેઓ આજે કરોડોના આસામી બની ગયા છે તેઓ સુધી તંત્ર તપાસ લંબાવે તે વધારે ઈચ્છનીય બની જવા પામી રહયુ છે. હકીકતમાં આ પ્રકારના દબાણોના વ્યાપક વેપલા ગાંધીધામમાં ચાલીરહ્યા છે તેની ગાંધીધામ નગરપાલિકા સહિતના તંત્રને તો હાલમા કોઈ ગતાગમ જ ન હોય તેવી સ્થિતી સર્જાયેલી છે. શહેર-સંકુલની કમનશીબી કહો કે પછી કમભાગ્ય..અત્યાર સુધી શહેરનુ ભલુ કરવા વાળા સુધરાઈમાં સીઈઓ પણ આપણને મળ્યા જ નથી. માત્ર અને માત્ર જે સીઈઓ આવ્યા તે ખુદના ઉદ્વાર જકરવામાં રચ્યા પચ્યા પડયા રહ્યા હોવાનો ઈતિહાસ મોજુદ છે. હાલના સીઈઓએ પુછશો કે રાજવી ફાટક કયા આવ્યો કે શહેરનો કોઈ ચોક-વિસ્તારમાં બોલાવશો તો એમને ખબર જ નહી હોય કે શહરેમાં તે સ્થળ આવ્યુ છે કયા? કારણ કે, કયારે લોકસેવાર્થે રોડ પર નીકળ્યા હોય તો ખ્યાલ આવે ને? માત્ર ભાગબટાઈનો ભાગ લઈ સુટકેશ ભરવા જ સીઈઓ સક્રીય રહેલા હોવાની પણ સર્વસામાન્ય ઉઠી રહી છે ફરીયાદ.
આ ઉપરાંત પાણીની લાઈન પર તો દબાણ થઈ જ ન શકે. આવા દબાણો તો ગાંધીધામ સંકુલમાં જ થયેલા જોવાઈ રહ્યા છે. રાજવી ફાટક પાસેથી ભારતનગર વિસ્તારમાં સંકુલની પાણીની એકસપ્રેસ લાઈન પસાર થવા પામી રહી છે અને તેના પર દબાણકારોએ પાક્કા દબાણો ખડકી દીધા છે. આ પાણીની લાઈન રાજવીથી લઈ અને છેટ ડીપીટી એ.ઓ. બીલ્ડીગ વિસ્તાર સુધી પથરાયેલી છે. પાણીની એકસપ્રેસ લાઈનમાં આ રીતે દબાણકારો કયારે કોઈ છીંડા કે ચેડા કરી દેશે તો તેની જવાબદારી કોની બનશે? આ ઉપરંત આ જ પાણીની લાઈન પર દબાણો ખડકી અને આ વિસ્તારમાં કેટલાક દબાણકારોએ તો પાણીના રીતસરના પ્લાન્ટ જ નાખી દીધા છે, તો કેટલાકના સર્વિસ સ્ટેશન અહી ધમધમી રહ્યા છે? શહેરીજનો પાણી માટે ટળવળી રહ્યા છે તો આ પાણીના પ્લાન્ટ વાળા કે સર્વિસ સ્ટેશનવાળા કોના ઈશારે, રહેમરાહે આ રીતે પાણીની લાઈનો પર આડેધડ દબાણો કરી અને પાણીની ધુમ ચોરી કરી રહ્યા છે? આવા દબાણકારો શહેર-સંકુલને માટે મોટી આફત નોતરે તે પહેલા જ મુળ દબાણકર્તાને શોધીને તેની સામે લાલઆંખ ભરી કાર્યવાહી કરવામાં આવે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.