ગાંધીધામ લૂંટ કેસમાં પકડાયેલા આરોપીનું સરઘસ કઢાયું

રેલ્વે ઓવરબ્રીજ પુલ નીચે ઉભેલા યુવાન ઉપર છરીથી હુમલો કરી લૂટારૂ ભાગી છુટ્યો હતો : ઘણા સમય બાદ આરોપીનું સરઘસ કઢાતા અન્ય ગુન્હેગારોમાં ફફડાટ

 

ગાંધીધામ : શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલ ઓવબ્રીજ નીચે યુવાન ઉપર છરીથી હુમલો કરી ત્રણ હજાર રોકડ લૂંટી નાસી છુટેલા લૂટારૂને પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૯-૭-૧૮ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં મુળ બિહાર હાલે મુન્દ્રા રહેતા યુવક ઉપર છરીથી હુમલો કરી તેના પાસેથી ૩૦૦૦ની લૂંટ ચલાવી નાસી છુટેલા લૂટારૂ સિદીક જુમા ચાવડાએ કિડાણા તા.ગાંધીધામને પકડી પાડ્યો હતો. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ તેમજ અંજાર વિભાગ નાયક પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ બી.એસ. સુથાર તથા પીએસઆઈ આર.ડી. જાડેજા, ડીસ્ટાફના સહાયક ફોજદાર મંગલભાઈ વિંઝોડા, હિરેનકુમાર મચ્છર સહિતના સ્ટાફે ગુન્હેગારોને સબક શીખવડાવવા માટે લૂંટમાં પકડાયેલા સિદીકને ગાંધીધામ શહેરના વિવિધ સ્થળોએ સરઘસ કાઢવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છના ચોરી, લૂંટ, હત્યા, આંકડા, જુગાર, દારૂ જેવી અસામાજીક બદીઓ ફાટીને છાપરે ચડી છે ત્યારે પોલીસ દ્વારા લૂંટના આરોપીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામી છે. સરઘસ ઉપરથી ગુન્હેગારો પોતાની આબરૂ બચાવવા માટે કોઈપણ ગુન્હાને અંજામ આપતા પહેલા સો વાર વિચાર કરશે.