ગાંધીધામ રેલ્વે સ્ટેશને પ્રવાસીની બેગ ચોરી જતા ત્રણ શખ્સો સામે ફરિયાદ

બરેલી-ભુજ ટ્રેનમાં બન્યો બનાવ : પોલીસે શરૂ કરી છાનબીન

ગાંધીધામ : શહેરના રેલ્વે સ્ટેશન પાસે યાર્ડમાં ચાલુ ટ્રેને પ્રવાસીની બેગ ચોરી નાસી છુટેલા ત્રણ શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ આસુરામ બન્નારામ જાટ (ઉ.વ.ર૧) (રહે. મુળ બાડમેર રાજસ્થાન)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ ગાંધીધામ ખાતે આવેલ ઈમ્પા એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં કામ કરે છે. ગત તા.૧૩-૪-૧૮ના બપોરના ૧ર વાગ્યે જુની દિલ્હી રેલ્વે સ્ટેશનથી ગાંધીધામ આવવા માટે બરેલી-ભુજ ટ્રેનમાં જનરલ કોચમાં બેઠા હતા અને ૧૪-૪-૧૮ના સવારે ૮ઃ૩૦ના અરસામાં ગાંધીધામ રેલ્વે સ્ટેશને ટ્રેન પહોંચવાની તૈયારીમાં હતી અને રેલ્વે યાર્ડમાં ટ્રેન ધીમે પડતા ૧૯થી ર૧ વર્ષના ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પગ પાસે રાખેલ થેલો ચોરીને ચાલુ ટ્રેને ઉતરી ગયા હતા. પ્રવાસીનો માલસામાન ભરેલ થેલો ચોરી થતા ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય પ્રવાસીઓમાં ફફડાટ મચી જવા પામી હતી અને ટ્રેનમાં સુરક્ષા કર્મીઓના અભાવે આવા લેભાગુ તત્વો દ્વારા અવારનવાર મુસાફરીના ખિસ્સા કાપવા તથા કિંમતી માલસામાન ચોરી જવાના અવારનવાર બનાવો બનતા હોઈ છે ત્યારે પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો ટ્રેનમાં ચોરી કરતી ગેંગ ઝડપવાની સાથે અનેક ચોરીઓના ભેદ ઉકેલાઈ શકે તેવી ચર્ચાઓ પ્રવાસીઓમાં ચર્ચાવા લાગી હતી. થેલામાં પાંચ હજાર રોકડા તથા પ૦૦ની કિંમના કપડા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત ૬૧પ૦નો માલસામાન હતો તેની ચોરી થતા ગાંધીધામ રેલ્વે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલાનું પીએસઓ કીર્તિસિંહ ઝાલાએ જણાવ્યું હતું.