ગાંધીધામ – ભચાઉ હાઈવે પર લૂંટારૂ ટોળકી સક્રિય

રાત્રીના સમયે દોડતા વાહનોમાં પથ્થર મારી ગાડી થોભાવી ચલાવાતી લૂંટ

ગાંધીધામ : ભારે અને ટ્રાન્સપોર્ટ વાહનોની અવર જવરથી સતત ધમધમતા એવા ગાંધીધામથી ભચાઉ હાઈવે પર ટ્રક ચાલકોને લૂંટવા માટે લૂંટારૂ ટોળકી સક્રિય બની છે. રાત્રીના સમયે અહીંથી પસાર થતા ભારે વાહનો પૂર પાટ દોડતા હોય છે. ત્યારે વાહનમાં પથ્થર મારો કરાય છે, જેથી ચાલક કોણે પથ્થર માર્યો તે જોવા માટે ગાડી ઉભી રાખે તેવામાં તસ્કરો આવી જાય અને છરી અને હથિયારો બતાવી ડ્રાઈવર – ક્લિનરને લૂંટી લેવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોડસ ઓપ્રેન્ડીથી ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. ઘણા કિસ્સામાં ફોજદારી પણ થઈ ચુકી છે. ત્યારે શુક્રવારે પણ ગાંધીધામ ભચાઉ હાઈવે પર ગોકુલગામ નજીક આવી જ રીતે રોડ પર દોડતી ટ્રક પર પથ્થર મારી લૂંટનો પ્રયાસ કરાયો હતો. હાઈવે રોડ પર વાહનોને આ રીતે થોભાવી ચલાવાતી લૂંટને બંધ કરવી જરૂરી છે.

પૂર્વ કચ્છ પોલીસતંત્ર દાખવે ગંભીરતા :લુંટારૂ ટોળકીની નવી તરકીબને કરે છત્તી

ખારીરોહર વિસ્તારમાં પથ્થરમારો કરનારા કથિત ગાંડાતત્વોની આડમાં લુંટારૂગેગનો નવતર કારસો : ગાડીઓ અટકે, તો લુટી લેવાનુ અને પથ્થરમારો કરનાર પકડાય તો ગાંડામાં ખપાવી દેવાનો ચાલે છે પેતરો : પોલીસ પકડે તો પુરવાર થશે ને કે, ગાંડાં છે કે, પછી તેની આડમાં આયોજનબદ્ધ રીતે ચાલે છે લુંટના તકરટ

ગાંધીધામ : લુંટારૂ તત્વો હાઈવે પર ઉતરી પડયા છે અને રીતસરની ઉઘાડી લુંટ જ ચલાવી રહ્યા છે ત્યારે અહી જાણકારો દ્વારા કહેવાય છે કે, આ લુંટારૂ ટોળકીએ હવે નવી તરકીબ અજમાવી છે. કહેવાય છે કે, ખારીરોહર વિસ્તારમાં લુંટારૂ ટોળકી પથ્થરમારો કરી અને રીતસરનો માલ લુટી રહી છે. આવામાં જો માલ લુટવા મળી જાય તો લુંટ લેવાનો અને પકડાઈ જાય કોઈ શખ્સ તો તેને ગાંડામાં ખપાવી દઈ અને છોડાવી લેવાનુ નાટક ચાલી રહ્યુ છે. હકીકતમાં પકડાયેલ તત્વો ગાંડા છે કે નહી તેની પોલીસ ધરપકડ કરી અને ખરાઈ કરાવડાવે તો અને તો જ અહી આ વિસ્તારમાં પથ્થરમારા સાથે લુંટની ઘટના અટકશે. હકીકતમાં આ બાબતને જે રીતે રજુ કરવામા આવી રહી છે તે અનુસારની નથી, પૂર્વ કચ્છ પોલીસ આ બાબતે ગંભીર બને તો મોટુ કારનામું પણ અહી બહાર આવી શકે તેમ છે.