ગાંધીધામ બેઠક પરથી આપના ઉમેદવાર તરીકે ગોવિંદ દનિચા જાહેર

રાજ્યની ૧૦ બેઠકોના ઉમેદવારોના નામો  થયા જાહેર

ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની અગાઉથી જ જાહેરાત કરી દેવાઈ હતી. ત્યારે આજે રાજ્યની ૧૦ બેઠકો માટે આપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ગાંધીધામ બેઠક માટે ગોવિંદભાઈ દનિચા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ગાંધીધામ બેઠકના આપના ઉમેદવાર ગોવિંદભાઈ દનિચાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી રાજ્યની મહતમ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની હોઈ તબક્કાવાર યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે ૧૦ બેઠકોની યાદી જાહેર થયેલ છે. જેમાં કચ્છની ગાંધીધામ બેઠકનો પણ સમાવેશ થાય છે. કચ્છ સહિત સમગ્ર દેશની પ્રજાએ દિલ્હીમાં આપ સરકારની કામગીરીથી વાકેફ છે. ત્યારે ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઈચ્છી રહી હોઈ સ્વચ્છ પાર્ટી અને સ્વચ્છ ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીની જરૂર સાથે રહેશે. અઢી દાયકાથી સામાજિક ક્ષેત્રે અગ્રણી તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ગોવિંદભાઈ દનિચાએ કહ્યું કે, પક્ષના કાર્યકરો  સાથે ચર્ચા વિચારણા બાદ ઉમેદવારી પત્ર કયારે ભરવું તે નક્કી કરાશે તેમજ પ્રજા સમક્ષ સકારાત્મક મુદ્દાઓને લઈ જઈ પ્રચાર કરાશે. મતદારો દ્વારા પણ આપને સહકાર અપાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.