ગાંધીધામ ફ્રી હોલ્ડના મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ હરકતમાં

વિવિધ સંસ્થા- સંગઠનોની યોજાઈ બેઠક : ફ્રી હોલ્ડ માટેની ઘડાઈ રણનીતિ : કેન્દ્ર સરકારના શિપિગ મંત્રાલયે લીલીઝંડી આપ્યા પછી પણ અનેક અડચણો સામે હવે સંકુલ વાસીઓ લડી લેવાના મુડમાં

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔધોગીક કંડલા – ગાંધીધામ સંકુલના લોકો માટે જીવન મરણ સમાન લીઝ હોલ્ડ માંથી ફ્રી હોલ્ડ કરવાનો અધરતાલ રહેલ પ્રશ્ન સતત અળચણોમાં અટવાઈ રહ્યો છે. તાજેતરમાં શીપીંગ મંત્રાલય દ્વારા દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાને લીઝ હોલ્ડ માંથી ફ્રી હોલ્ડ કરવાનો આદેશ આપ્યા છતાં પણ અનેક વહીવટી આંટીઘુટીઓ હજુએ નળી રહી છે ત્યારે હવે કચ્છ ગુજરાતની પ્રતિષ્ઠીત વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ હરકતમાં આવી જવા પામી છે. આ સંદર્ભે તાજેતરમાં જ સંકુલના વિવિધ સંગઠનો સંસ્થાઓની એક મીટીંગ મળવા પામી હતી. જેમાં ફ્રી હોલ્ડ મુદ્દે લડી લેવાનો રણનીતી ઘડાઈ છે
આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર જોડીયા શહેરના ફ્રી હોલ્ડના પ્રશ્ને વધુ એક વખત ચેમ્બર દ્વારા શહેરની સ્વૈચ્છિક, વેપારી સંસ્થાઓ અને સર્વ સમાજના આગેવાનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વર્ષોથી ચાલતી લડત અંગે ચર્ચાઓ થઈ હતી અને આગામી દિવસમાં જરૂરી લડત અંગે પણ ઉપસ્થિત લોકોએ પોતાના પ્રતિભાવો આપતા આપ્યા હતા.આદિપુર-ગાંધીધામ ટાઉનશીપની લીઝ હોલ્ડ જમીનને ફ્રી હોલ્ડમાં તબદીલ કરવાની માંગ બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રહેણાંક પ્લોટને ફ્રી હોલ્ડને મંજુરી આપી દીધી છે. છતાં અમુક અડચણોને કારણે આવા પ્લોટ કે રહેણાંક મકાનનો ફ્રી હોલ્ડ કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે.
ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે પ્રમુખ દિનેશભાઈ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ સંગઠન અને સમાજના લોકો દ્વારા ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફી મુદ્દે ચેમ્બરની આગેવાનીમાં લડત કરવામાં આવે અને તેમાં સૌનું સમર્થન હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. સાથે આ લડતને જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ન મળે ત્યાં સુધી ચાલુ રાખવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો હતો.
ઘણા વર્ષોની લાંબી લડત બાદ શહેરની રહેણાંક જમીનને ફ્રી હોલ્ડમાં તબદીલ કરવાની મંજુરી મળી છે. પરંતુ આ લડતને અધુરી છોડવામાં આવતા પૂર્ણ સફળતા મળતી ન હોવાનો પણ અમુક આગેવાનોએ સુર વ્યક્ત કર્યો હતો જેથી આગામી દિવસોમાં આ લડત નક્કર પરીણામલક્ષી બનાવવા આગેવાનોએ અપીલ કરી હતી.
હાલમાં રહેણાંક પ્લોટને ફ્રી હોલ્ડ કરવામાં આવે છે. પરંતુ તેનો કોઈ જ રેવન્યુ રેકર્ડ ન હોવાની સમસ્યાને કારણે આગામી પેઢીને મુશ્કેલી પડશે તેવી પણ દહેશત વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા આ જમીનનો રેવન્યુ રેકર્ડ સાચવે તેવી રજુઆતો પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા દ્વારા આ બેઠકમાં અંગેનો ઉદેશ જણાવી શહેરના ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફીના મુદ્દે યોગ્ય સ્તરે રજુઆત કરવાનો અને તેનું નિરાકરણ લાવવાનો હોવાનું જણાવ્યું હતુ અને શહેરની તમામ સંસ્થાઓ અને સમાજ એક બની આ લડતમાં સહભાગી બને તેમજ આગામી દિવસોમાં કરવાની કાર્યવાહી માટે બોલાવી હોવાનું જણાવ્યું હતું.
ગાંધીધામ ચેમ્બર દ્વારા આ સમગ્ર મામલે એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવશે અને તેના સમર્થન માટે શહેરની તમામ વેપારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને દરેક સમાજ આગળ તેવી અપીલ કરી હતી જેને સૌએ સમર્થન આપ્યું હતું અને આગામી દિવસોમાં સંબધિત વિભાગોમાં આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાયું હતું. જ્યારે આ પ્રશ્ને શહેરમાં એક મૌન રેલી યોજવાના સુચન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ અંગે એક કમિટી બનાવી આગામી દિવસોમાં તેનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ ફરીથી સંકુલની ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફી મુદે લડત શરૂ થાય તેવી એંધાણ વર્તાઈ રહ્યાં છે.
આ વેળાએ દિનેશ ગુપ્તા, બાબુ ભીમા હુંબલ, કે એમ ઠક્કર, જયેશ રાજદે, મહાદેવ રાજાણી, આશીષ જોષી, મહેશ પુંજ, મુકેશ પારેખ, નરેન્દ્રસિંહ રાણા, નંદુભાઈ ગોયલ, ટીનુભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.