ગાંધીધામ તાલુકા પંચાયતમાં કારોબારી અને સા.ન્યા. સમિતિના ચેરમેન વરાયા

ગાંધીધામ : અહીં તાલુકા પંચાયત ખાતે કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સર્વાનુમત્તે કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જેમાં શિણાય બેઠક પરથી વિજેતા થયેલા નિખિલ અમૃતલાલ હડિયાને કારોબારી ચેરમેનના પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ખારીરોહર બેઠક પરથી વિજેતા બનેલા સદસ્ય મીઠીબેન દલપતભાઈ સોલંકીને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બનાવાયા હતા. અગાઉ મળેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિમાં ૭ અને સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યોને સમાવાયા હતા. ચૂંટણી બાદ ચેરમેનોની અને સભ્યોની વરણી થઈ જતા ગ્રામીણ વિસ્તારમાં વિકાસ કામોમાં વેગ આવવાની આશા લોકોએ સેવી હતી.આ મીટિંગમાં પ્રભારી તરીકે દેવજીભાઈ વરચંદ, તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરિયા, મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય ધનજીભાઈ હુંબલ, નવીનભાઈ જરૂ વગેરે હાજર રહ્યા હતા.