ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન રમેશ મ્યાત્રા, કારોબારી ચેરમેન નીખીલ હડિયા, સત્તાપક્ષના નેતા તરીકે વનાભાઈ મમુ રબારી અને દંડક તરીકે જીવતીબેન બટૈયાના નામોની પક્ષ દ્વારા જાહેરાત : તાલુકા પંચાયત ખાતે ઉમેદવારો દ્વારા ભરાયા ફોર્મ 

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : ગાંધીધામ તાલુકા પંચાયતની ૧૬ સીટોમાંથી ભાજપે ૧ર સીટો પર કમળ ખીલવ્યું હતું, તો ૩ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ ૧ બેઠક અંકે કરીને તાલુકા પંચાયતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. અહીં પણ ભાજપ પાસે સર્વાધિક બેઠકો હોવાથી હોદ્દેદારોની વરણી પ્રક્રિયામાં ભાજપના સભ્યો દ્વારા દાવાઓ રજૂ કરાયા હતા. આજે સવારે ગાંધીધામમાં ભાજપ કાર્યાલય ખાતે હોદેદારોની વરણી માટે બેઠક મળી હતી, જેમાં ગાંધીધામ તાલુકા પંચાયતનો તાજ ભરતસિંહ જાડેજાના ફાળે ગયો હતો.જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે અને દેવજીભાઈ વરચંદ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરીયા સહિતનાઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખના નામો મહોર મારવામાં આવી હતી. જેમાં ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ પદે અંતરજાળ બેઠકના ભરતસિંહ જાડેજાના નામ પર મહોર મરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન રમેશ મ્યાત્રા, કારોબારી ચેરમેન પદે શિણાય બેઠકના નીખીલભાઈ હડિયા, સત્તાપક્ષના નેતા તરીકે કિડાણા – ૧ બેઠકના વનાભાઈ મમુભાઈ રબારી, દંડક તરીકે અંતરજાળ-૩ બેઠકના જીવતીબેન નથુરામ બટૈયાના શીરે જવાબદારી સોંપવામાં આવી હતી. પક્ષ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોના નામની સત્તાવાર જાહેરાત થતા સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ સમક્ષ સભ્યો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં વિધિવત વરણી પ્રક્રિયા હાથ ધરાશે.આ વેળાએ નવીનભાઈ જરૂ, તાલુકા ભાજપના મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ લવાડીયા, સામજી વીરડા, ગીતાબેન મ્યાત્રા, સીધ્ધરાજસિંહ જાડેજા, રમેશ મ્યાત્રા, પ્રવીણસિંહ જાડેજા, હરેશ બાબડીયા સહિતના હાજર રહ્યા હતા.