ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ દ્વારાપશ્ચિમ રેલ્વેની અમદાવાદ વિભાગીય ઉપભોકતા સલાહકાર સમિતિની બેઠકમાં કચ્છ રેલ્વેને લગતા પ્રશ્નોની રજુઆત

ગાંધીધામઃ તાજેતરમાં પશ્ચિમ રેલ્વેની નવી રચાયેલ અમદાવાદ વિભાગીય ઉપભોકતા સલાહકાર સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધી પરાસમલ નાહટાએ ભાગ લીધેલ.
આ નવી રચાયેલ સમિતિની પ્રથમ બેઠક હોવાને લીધે એજન્ડામાં મુખ્યત્વે નવા સભ્યોને આવકાર અને તેમની ઓળખાણવિધી હતી. આમ છતાં ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધી પારસમલ નાહટાની વિશેષ રજુઆતને ધ્યાને લઈ ડી.આર.યુ.સી.સી.ના સચિવે આ બેઠકમાં કચ્છ રેલ્વેને લગતા વિવિધ મુદાઓ જેવા કે રેલ્વે સ્ટેશનની નજીકમાં થયેલ દબાણોને દુર કરવા, વરસાદના સમયે ગાંધીધામ રેલ્વે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર થી સ્ટેશન સુધી થતો પાણીનો ભરાવો, આલા હજરત ટ્રેનને દરરોજ રાધનપુર-ભિલડી થઈને ચલાવવી, પાલનપુરની ટ્રેનના સમયમાં બદલાવ લાવવો, ગાંધીધામ ગુડસ શેડમાં કામ કરતા મજુર વર્ગ માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી, વગેરે પ્રશ્નો આ બેઠકમાં વિચાર વિમર્શ માટે હાથ ધર્યા હતા. આ સંદર્ભે રેલ્વે પ્રશાસનના વિવિધ વિભાગીય વડાઓએ સર્વે પ્રશ્નોનું મુલ્યાંકન કરી ત્વરીત યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી.
ચેમ્બરના માનદમંત્રી મુરલીધર જગાણીએ કચ્છના રેલ્વેને લગતા પ્રશ્નોને વાચા આપવા અને પ્રવાસી જનતાને વધુ સવલતો મળે તે માટે અસરકારક રીતે રજુઆત કરવા ગાંધીધામ ચેમ્બર હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવો સુર એક યાદીમાં જણાવાયો છે.