ગાંધીધામ-કંડલામાં થંડરસ્ટ્રોમની અસરને પગલે કમોસમી વરસાદ

ગાંધીધામ : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કચ્છસૌરાષ્ટ્રના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી કચ્છનાં વિવિધ મથકોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. શનિવારે જિલ્લા મથક ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ થયો હતો. તો આજે ઉઘડતા સપ્તાહે ઔદ્યોગિક મથક એવા ગાંધીધામકંડલા સંકુલમાં કમોસમી વરસાદ થયો હતો. કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે શુક્રવારથી હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. જે માહોલ વિવિધ વિસ્તારોમાં યથાવત્ત રહેતા આજે ગાંધીધામ સહિત કંડલા સંકુલામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગાંધીધામકંડલામાં પડેલા વરસાદને કારણે માર્ગો ભીંજાયા હતા. ભરબપોરે ભારે ઉકળાટ બાદ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વેગીલા પવન સાથે ઝાપટા વરસતા લોકોમાં પણ કુતુહલ ફેલુ હતુ. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે થંડરસ્ટ્રોમને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો હુજ પણ થંડરસ્ટ્રોમ અસરને કારણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ સહિતના વિવિધ વિસ્તારોમાં ભવનના સુસવાટા સાથે છાટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. થંડરસ્ટ્રોમની અસર થોડા સમય માટે રહેતી હોય છે. જો કે કચ્છમાં થતા કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂતોના તૈયાર મોલને વરસાદને કારણે નુકશાની થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી.