ગાંધીધામ આરટીઓ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ઃ ફોલ્ડરિયારાજથી વાહન ચાલકો પરેશાન

ગુટલીબાજ અધિકારીઓના લીધે કચેરી રામ ભરોસે : વાહન પાર્સિંગ સહિતની કામગીરી દલાલોના હવાલે : એચએસઆરપીમાં પણ વસુલાતી વધુ રકમ

 

ગાંધીધામ : ગાધીધામ આરટીઓ કચેરી વર્તમાને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની જવા પામી છે. ગુટલીબાજ અધિકારીઓના લીધે એકતરફ કચેરી રામભરોસે ભાસતી હોય છે. જયારે બીજીતરફ આજ અધિકારીઓ દ્વારા ગોઠવાયેલ ફોલ્ડરિયાઓ વાહન પાર્સીગ સહિતની કામગીરીઓ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા હોઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે.
ભૌગોલિક દ્રષ્ટિએ અતિ વિશાળ એવા કચ્છ જિલ્લામાં ભૂકંપ બાદ વાહનોની સંખ્યામાં જેટ ગતિએ વધારો થવા પામ્યો છે. જેના લીધે કચ્છની એક માત્ર ભુજ આરટીઓ કચેરી પર કામગીરીનું ભારણ અતિ વધી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
જેથી વાહન ચાલકોની હાલાકી ધટવાની સાથે કામગીરીનું ભારણ પણ ઘટે તે માટે પૂર્વ કચ્છની ગાંધીધામ ખાતે આરટીઓ કચેરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કચેરી વર્તમાને વાહન ચાલકે માટે મુસીબત સમાન બની જવા પામી છે.
સ્ટાફ ઘટ તેમજ ગુંટલીબાજ અધિકારીઓના વાંકે કચેરી રામભરોસે રહેતી હોય છે. તો બીજીતરફ આજ અધિકારીઓ ભ્રષ્ટાચારને બળ આપવા ફોલ્ડરિયા તેમજ દલાલો રોકી તેઓ મારફતે કચેરીની કામગીરી કરાવી રહ્યા છે.
ગુટલીબાજ કર્મચારીઓમાં અગ્ર હરોળનું સ્થાન ધરાવતા ગાંધીધામ આરટીઓના ઈન્સ્પેકટર વગર રજાએ પોતાના વતન ગયા હોવા છતાં ગઈકાલે ફોલ્ડરિયાઓએ વાહન પાર્સિંગ સહિતની કામગીરી કરી હતી. આજે રજા હોઈ આવતીકાલે આ અધિકારી આવ્યા બાદ રેકોર્ડમાં તેની એન્ટ્રી કરવામાં આવશે. એચએસઆરપીની કામગીરીમાં પણ વધુ રૂપિયા લેવાઈ રહ્યા છે. ટૂ-વ્હીલર માટે રૂા. ર૪૦ની રસીદ સામે રૂા. ૩પ૦ જયારે, ફોર વ્હલરમાં રૂા. ૪ર૦ની રસીદ સામે રૂા. ૬૦૦ વસુલાઈ રહ્યા છે. અધિકારીઓની મિલિભગતથી હાલે ગાંધીધામ આરટીઓમાં ભ્રષ્ટાચારના મૂળિયા ખુબ જ ઉંડા ઉતરી ગયા છે. ત્યારે ફોલ્ડરિયા- દલાલોના હવાલે રહેલી આ કચેરીમાં તપાસ કરાય તો મહા કૌભાંડ બહાર આવી શકે તેમ છે.