ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં વીજચેકીંગનો ધમધમાટ

ભુજ : પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં પાછલા બે દિવસથી વીજચેકીંગની કામગીરી આરંભાઈ છે. ત્યારે આજે ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં વીજચેકીંગનો ધમધમાટ આરંભાયો હતો. વહેલી સવારથી હાથ ધરાયેલ કામગીરીના પગલે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. તો સાંજ સુધીમાં મોટી વીજચોરી ઝડપાવવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.
આ અંગેની વિગતો મુજબ ઉગળતા સપ્તાહની સાથે વિજિલન્સ ટીમોએ અંજાર સર્કલમાં ધામા નાખ્યા છે. પ્રથમ દિવસે અંજાર રૂરલ-રમાં ચેકીંગ ટીમોએ સપાટો બોલાવ્યા બાદ આજે પણ કામગીરી અવિરત રહી હતી. વિજિલન્સની ટીમોએ આજે ગાંધીધામ ડિવીઝનના ગાંધીધામ-આદિપુર પંથકમાં ધામા નાખ્યા હતા. વહેલી સવારથી સુરક્ષા બંદોબસ્ત સાથે ચેકીંગ ટીમોના ધાડા ઉતરી પડ્યા હતા. એકાએક આવેલ વીજચેકીંગની ટુકડીઓને જોઈ વીજચોરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. તો ચેકીંગ ટીમોએ અનેકોને રંગે હાથે પણ ઝડપી પાડ્યા હતા. અંજાર બાદ ગાંધીધામ ડિવીઝન પર વિજિલન્સે સંકજો કસતા સાંજ સુધીમાં મોટી વીજચોરી ઝડપાય તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં વીજચેકીંગ કામગીરીનો પ્રારંભ વાગડ વિસ્તારથી કરવામાં આવતો હોય છે જેના લીધે અન્ય ડિવીઝનોના વીજચોરો સચેત બની જતા હોય છે. ત્યારે આ વખતે ચેકીંગ કામગીરીની પેટર્ન બદલી અંજાર ડિવીઝનથી કામગીરી આરંભાતા વીજચોરોને સચેત બનાવાનો પણ મોકો મળ્યો નથી.