ગાંધીધામ અને કિડાણામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી સંગ્રહ કરનાર બે શખ્સો જબ્બે

મોબાઈલ ફોનમાં ફોટો-વીડિયો રાખનાર શખ્સોને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી એ અને બી-ડિવિઝન પોલીસ મથકને કર્યવાહી માટે કરાઈ તાકીદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ હોવા છતાં અનેક શખ્સો પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પરના ફોટો-વીડિયો સહિતનું સાહિત્ય સંગ્રહ કરી કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે તેવામાં ગાંધીધામ અને કિડાણામાંથી પૂર્વ કચ્છ એસઓજીએ બે શખ્સોને દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સાયબ સેલ વિભાગ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી સબબ કાર્યવાહી કરવાની સૂચનાને પગલે પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ વી.પી. જાડેજાની સૂચનાથી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટીપલાઈન મુજબ એસઓજીની ટીમે બે શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં કિડાણામાં રહેતા આરોપી જાવેદ અબ્બાસ વાઘેર તેમજ ગાંધીધામમાં મહેશ્વરીનગર ઝુપડામાં રહેતા હીરજીભાઈ કેસાભાઈ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને શખ્સો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોનોગ્રાફીના ફોટો-વીડિયોનો સંગ્રહ કર્યો હતો. બન્ને શખ્સોના મોબાઈલ ફોન પોલીસે કરી આ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ક્યાંય અપલોડ કે વાયરલ કરાઈ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે. પોલીસે બન્ને શખ્સો પાસેથી કબજે કરાયેલ મોબાઈલ અને સાહિત્યને ગાંધીનગર એફેસેલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે તો આરોપીઓ વિરૂદ્ધ ગાંધીધામ શહેર એ અને બી-ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવાઈ હતી. એફેસેલ રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાશે.