ગાંધીધામમાં ૩ દરોડામાં ર૧.૧૬ લાખનો દારૂ-બીયર ઝડપાયો

દરોડામાં બે આરોપીઓને પોલીસે દબોચ્યા, જયારે બે શખ્સો હાથ ન લાગ્યા : સ્વિફટ કાર, છોટા હાથી સહિત ર૭.૧૬ લાખનો મુદ્દામાલ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીધામ : શહેરના સપનાનગર અને તાલુકાના પડાણામાં પોલીસે દારૂના ૩ દરોડા પાડીને ર૧,૧૬,૮૦૦નો દારૂ – બિયર ઝડપી પાડ્યો હતો. તો બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જયારે અન્ય બે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. ૩ દરોડામાં પોલીસે એક સ્વીફટ કાર અને એક છોટા હાથી મળીને ૬ લાખના બે વાહનો સહિત કુલ ર૭.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલની સૂચનાથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ દારૂ- જુગાર જેવી બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પીઆઈ એસ.એસ. દેસાઈના માર્ગદર્શન તળે પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે દારૂના ૩ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સપનાનગરમાં મકાન નંબર ડી. ૧પ૯માં પડાયેલા દરોડામાં પોલીસે રૂપિયા ૧ર,૯પ,૪૦૦ની ૬૬૬ નંગ દારૂની બોટલ તેમજ ૭ર હજારના ૭ર૦ નંગ બીયરના ટીન મળીને ૧૩,૬૭,૪૦૦નો દારૂ – બીયર ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં આરોપી રમેશ ખેમા ગોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે આરોપી અકરમ અહેમદ સિપાઈ પોલીસેને હાથ લાગ્યો ન હતો.

બીજાે દરોડો સપનનાનગરમાં મકાન નંબર ઈ-૧૬રમાં પડાયો હતો. જેમાં પોલીસે ૭,રર,૪૦૦ની કિંમતની ૩૮૪ નંગ દારૂની બોટલ કબ્જે કરી હતી. આરોપી નેકમહમદ અહમદભાઈ સિપાઈ પોતાના છોટા હાથીમાં દારૂ ભરીને સગેવગે કરવાની ફિરાકમાં હતો. તે દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડમાં પણ આરોપી અકરમ અહેમદ સિપાઈ હાથ લાગ્યો ન હતો. પોલીસે જી.જે. ર૦ વી. ૧૧૭૧ નંબરના છોટા હાથી સહિત ૯,રર,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રીજાે દરોડો પડાણામાં પડાયો હતો, જેમાં આરોપી અકરમ રમજુ સોઢા પોતાની સ્વીફટકાર જી.જે. ૧ર ડીએ ૬૪૯૦ ભારતીય બનાવટનો વિદેશી શરાબ ભરીને જતો હતો. પોલીસે આરોપીના કબ્જાની સ્વીફટ કાર અટકાવીને તેમાંથી ર૭ હજારની ૬૦ નંગ દારૂની બોટલ કબ્જે કરી હતી. રેઈડ દરમિયાન આરોપી કાર છોડીને નાસી છુટયો હતો. ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.એસ. દેસાઈ સહિતની ટીમ દ્વારા દારૂના આ ત્રણ ક્વોલિટી કેસમાં કુલ ર૧,૧૬,૮૦૦નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરાયો હતો.