ગાંધીધામમાં વૃધ્ધાની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

પીઆઈ બી.એસ. સુથાર તથા તેમની ટીમને મળી સફળતાઃ હત્યા કરી ૩.પ૦ લાખના દાગીનાની લૂંટ કરનાર વૃદ્ધાની ઓરડીમાં જ રહેતા બે આરોપીઓની કરી અટકાયત

 

ગાંધીધામ : શહેરના ખોડિયાનગર ઝૂંપડા વિસ્તારમાં રહેતી વૃધ્ધાની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી વૃદ્ધાના શરીર પર રહેલા ૩.પ૦ લાખના દાગીના લૂંટી ગયા હતા. લૂંટ અને હત્યાનો ગઈકાલે વિધિવત ગુનો નોંધાયો હતો, જે ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી લીધો હતો. બે આરોપીઓને રાઉન્ડઅપ કરી પુછતાછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને ગુનાનો એકારાર કરી લેતા પોલીસને અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ખોડિયારનગર ઝુપડામાં રહેતી સુંદરી દેવી ઘીસાજી ચૌચેટીયા (ઉ.વ. ૭૪) જે એકલવાયું જીવન જીવતા હોઈ અને ગત તા. ૮-૯-૧૮ના રાત્રીના ૧૧ થી ૯-૯-૧૮ના સાંજના સાડા ચાર વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ વૃદ્ધાના મોઢા ઉપર ઓશિકું રાખી શ્વાસ રૂધાવી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી અને વૃદ્ધાએ શરીર ઉપર પહેરેલા ૩.પ૦ લાખના દાગીના લૂંટી હત્યારા પલાયન થઈ ગયા હતા. મુંબઈ રહેતા વૃદ્ધાના ચાર દિકરાઓ ગાંધીધામ પહોંચી આવતા હત્યા અને લૂંટનો બનાવ સપાટી પર આવતાં વૃદ્ધાના દિકરા રાજેશની ફરિયાદ પરથી અજાણ્યા ઈસમો સામે હત્યા અને લૂંટની કલમ તળે ગુનો નોંધી બોર્ડર રેન્જના આઈજીપી ડી.બી. વાઘેલા તથા પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષીતા રાઠોડના તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં માહિર એવા એ ડિવિઝન પીઆઈ બી.એસ. સુથારે હત્યા અને લૂંટમાં શંકાના દાયરામાં રહેલા એક સગીર સહિત બે શખ્સોને રાઉન્ડઅપ કરી પુછતાછ કરતાં હત્યા અને લૂંટના બનાવને પોતે અંજામ આપેલ હોવાની કેફીયત આપતા અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં શ્રી સુથારને સફળતા મળી હતી. આ બાબતે પીઆઈ શ્રી સુથારનો સંપર્ક સાધતા ગુનોનો ભેદ ઉકેલી લેવામાં આવેલ હોવાનું જણાવી વધુ વિગતો પ્રેસકોન્ફરન્સમાં આપવાનું જણાવ્યું હતું.