ગાંધીધામમાં વીજશોક લાગતા ૧પ વર્ષિય કિશોરનું મોત

રતનાલમાં આંખલાએ વૃદ્ધને શીંગડા ભરાવતા સારવાર દરમ્યાન મોત : ગાંધીધામાં બેભાન મળી આવેલા યુવકે તોડયો દમ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં એક કિશોર, એક યુવાન અને એક વૃદ્ધનું મોત નિપજયું હતું. ગાંધીધામમાં વીજ શોક લાગતા કિશોરે દમ તોડયો હતો. રતનાલમાં આંખલાએ વૃદ્ધને ઈજાઓ પહોંચાડયા બાદ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તો ગાંધીધામમાં બેભાન મળી આવેલા યુવકે અગમ્ય બીમારીના કારણે દમ તોડયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના વિનાયક નગરમાં હર્ષરાજ થાપા (ઉ.વ.૧પ) નામના કિશોરે પોતાના ઘરમાં વીજશોક લાગતા દમ તોડયો હતો. ભોગગ્રસ્ત કોઈપણ કારણોસર પોતાના ઘરમાં વિદ્યુત આંચકો લાગ્યો હતો, જેને પ્રથમ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાર બાદ અંજાર અને અંતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાતા સારવાર કારગત ન નિવડવાથી આંખો મીચી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તો ગાંધીધામના શીવાજી પાર્ક પાસે ભાઈપ્રતાપના પુતળા નજીકથી એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. અંદાજે ૪૦ થી ૪પ વર્ષિય યુવકનું નામ અશોકભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાનને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ કોઈપણ અગમ્ય બિમારીના કારણે યુવાને દમ તોડયો હતો. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.તો આ તરફ અંજાર તાલુકાના રતનાલ ગામે મહેશ્વરી વાસમાં રહેતા કાગજીભાઈ કારાભાઈ મહેશ્વરીને આંખલાએ શીંગડા ભરાવતા મોત નિપજયું હતું. રતનાલના બસ સ્ટેશન પાસે હતભાગી વૃદ્ધ ઉભા હતા, તે દરમ્યાન આંખલાએ શીંગડા મારતા વૃદ્ધને માથાના ભાગે તેમજ સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હતા. જે દરમ્યાન સારવાર કારગત ન નીવડતા તેમણે દમ તોડયો હતો. બનાવને પગલે અંજાર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ થતા પીએસઆઈ એમ. કે. વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે.