ગાંધીધામમાં વિદેશી દારૂ-બિયરની હેરાફેરી કરતા વરસામેડીના બે યુવાનો રંગે હાથ પકડાયા

  • વિજિલન્સના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી

શરાબની બોટલો સહિત ૬ લાખનો મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસે કબજે કર્યો

ગાંધીધામ : પચરંગી શહેરમાં દારૂની બદી વધી ગઈ છે. દુધઈ બાદ સ્ટેટ વિજિલન્સે ગાંધીધામમાં ગઈકાલે દરોડો પાડી સુંદરપુરીમાંથી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસે હરકતમાં આવી ગઈ હોય તેમ શહેરમાં અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી એ-ડિવિઝન પોલીસે દારૂની ૯૬ બોટલો સાથે ત્રણ યુવાનોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.અંજારના વરસામેડી સીમમાં રહેતા પ્રદીપ બાબુલાલજી પરિહાર અને જિતેન્દ્ર હરેશભાઈ પેશવાની નામના બે યુવાનોને એ-ડિવિઝન પોલીસે સિંધુબાગ રોડ ગુરુકુળ પાસેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજાની બલેનો ગાડી નં.જીજે૧ર-ઈઈ-૯પ૭૪ મા મેકડોવેલ વ્હીસ્કીની ૭ર બોટલો અને સિગ્નેચર વ્હીસ્કીની ૧ર બોટલો તેમજ બડવાઈઝર બીયરના ૬૦ ટીન કુલ કિંમત રૂા.૪૬,ર૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તેમજ બલેનો ગાડી અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા પ.પપ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ પીઆઈ એમ.એમ.જાડેજાને સોંપાઈ છે.ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં દારૂની બદી વકરી ગઈ છે. દુધઈમાં વિજિલન્સના દરોડા બાદ ગઈકાલે પીએસઆઈની બદલી પણ કરવામાં આવી હતી. ત્યારે ગાંધીધામમાં પણ વિજિલન્સે કાર્યવાહી કરતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.