ગાંધીધામમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ નગરસેવકને ફોન કર્યો : કાઉન્સીલરનો જવાબ ‘મારી પાસે સમય નથી’

image description

 


ઈફકોની સામે નીલકંઠ ટાવરની પાછળના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા નિકાલ માટે નગરસેવકને જાણ કરતા લોકોને થયો કડવો અનુભવ

ગાંધીધામ : તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ મત માંગવા શેરીએ શેરીએ ગયા ત્યારે લોકોને વચન આપ્યું હતું કે, ચૂંટણીમાં ભાજપને જીતાડો, આગામી પાંચ વર્ષ અમે તમારી સેવા કરશું. કોઈ પણ કામ હોય તો અમને ફોન કરજો. અમે પ્રજાની સેવા માટે તત્પર છીએ. જેથી લોકોએ મત આપી સત્તામાં બિરાજીત કર્યા. અલબત સ્થાનીકોએ કસોટી કરતા નગરસેવકે હાથ ઉંચા કરી લીધા હતા, જેથી લોકોમાં કચવાટ ફેલાયો છે. ‘મારી પાસે સમય નથી’ તેવો જવાબ આપ્યો હતો.આ અંગેની વિગતો રવીવારે ગાંધીધામ પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો, જેના કારણે અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વોર્ડ નં. ૧૦-એ માં આવતા અને ઈફકોની સામે નીલકંઠ ટાવર પાછળના વિસ્તારમાં પ્લોટ નંબર ર૪, રપ, ર૬માં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે અહીંના અસરગ્રસ્તોએ સ્થાનીક નગરસેવક કાઉન્સીલરને ફોન કર્યો તો તેમણે જવાબ આપ્યો કે, મારી પાસે સમય નથી. તમે બીજા કાઉન્સીલરને ફોન કરો. પ્લોટ નં. રપ ના રહીશ અને પીજીવીસીએલ નિવૃત અધિકારી વી. બી. વર્માએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી અમારે સમસ્યા છે. વરસાદના સમયે અહીં પાણી ભરાઈ જાય છે. પરંતુ નિકાલ થતો નથી, કેટલીક વાર અમારા ઘરમાં પણ પાણી ઘુસી જાય છે. અગાઉ નગરપાલિકામાં થોકબંધ રજુઆતો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. ચૂંટણી સમય બે હાથ જોડી મત લેવા આવેલા અને હાલમાં જીતી ગયેલા કાઉન્સીલરો દાદ આપતા નથી. કાઉન્સીલરને ફોન કર્યો તો તેમણે કહ્યું કે, હમણા કોરોના હાલે છે. હમણા કાંઈ નહીં થાય. બીજા કાઉન્સીલરને ફોન કરો. જો નગર સેવક ફોન પર આવું વર્તન કરતા હોય તો અન્ય પાસે શી અપેક્ષા રાખવી?