ગાંધીધામમાં રાહદારીને હડફેટે લઈ બાઈક બોલેરોમાં ભટકાતા ત્રણ ઘવાયા

ઓસ્લો સિનેમા પાસેની ઘટના પલ્સર બાઈક ચાલકે રાહદારીને ટક્કર મારી બાઈક સહિત રોડ પર ઢસડાઈને બોલેરો નીચે આવી જતા બે યુવાનોની હાલત નાજુક
ગાંધીધામ : શહેરના ઓસ્લો સિનેમા પાસે પુરપાટ જતી મોટર સાયકલ ચાલકે રાહદારીને હડફેટે લઈ બાઈક સહિત રોડ પર ઢસડાઈને બોલેરોમાં આવી જતા બાઈક સવાર બે યુવાનો તથા રાહદારીને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી.
ગાંધીધામ બી ડિવીઝન પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર પુનશીભાઈ મહેશ્વરીએ વિગતો આપતા જણાવેલ કે એકતાનગર કિડાણા રહેતા શબ્બીર ઈકબાલ જંગીયા (ઉ.વ.૧૬) તથા નાસીર હુશેન કમોરા (ઉ.વ.૧૮) બન્ને જણા પલ્સર મોટર સાયકલ સિનેમા પાસેથી પસાર થતા રાહદારી વાલજીભાઈ ખેતશીભાઈ મહેશ્વરી (ઉ.વ.પપ) (રહે. જગજીવન નગર ગાંધીધામ)ને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડવાની સાથે બાઈક સ્લીપ થઈને રોડ પર ઢસડાઈ રહ્યું હતું. તેવામાં આવતી બોલેરો નંબર જીજે. ૧ર. બીઆર. ૪૯૧૬માં આ બન્ને યુવકો આવી જતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. બન્નેને ગાંધીધામની જીકે આહીર હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યારે વાલજીભાઈને અન્ય હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ઈજા પામનાર બાઈક સવાર યુવાનોની હાલત નાજુક હોવાનું જણાતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની કાર્યવાહી હાથ ધરેલ છે.