ગાંધીધામમાં યુવતી ઉપર લાજ લૂંટવાના ઈરાદે નિર્લજ હુમલો

રેલ્વે સ્ટેશન સામે ચાવલા ચોકમાં બંધ દુકાનની ઓસરીમાં બન્યો બનાવ : અજાણ્યા શખ્સે યુવતીને પોતાની સાથે સુવા કહેતા યુવતીએ ના પાડતા ઉપરા ઉપરી ૧૦-૧૧ છરીના ઘા ઝીંકયા ; ગંભીર રીતે ઘવાયેલ યુવતીને ભુજ ખસેડાઈ : આરોપીને ઝડપી પાડવા પોલીસની કવાયત

 

ભુજ : શહેરના રેલ્વે સ્ટેશન સામે પુલીયા નીચે રહેતી આદિવાસી યુવતીને મોડી રાત્રીના લાજ લેવાના ઈરાદે બંધ દુકાનની ઓસરીમાં લઈ જતી પોતાની સાથે સુવા આગ્રહ કરતા યુવતીએ પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલ શખ્સે ૧૦થી ૧૧ જેટલા છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પૂજાબેન દિપકભાઈ ખારોલ (ઉ.વ.ર૭) (રહે. એમપી હાલે રેલ્વે સ્ટેશન સામે પુલીયા નીચે ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે જીવલેણ હુમલાનો બનાવ રાત્રીના સાડાબાર વાગ્યે રેલ્વે સ્ટેશન સામે ચાવલા ચોકમાં બંધ દુકાનની ઓસરીમાં બનવા પામ્યો હતો. મહેશ્વરી જાતિનો છોકરો જેના નામ ઠામની ખબર નથી તેને જાયેથી ઓળખે છે તે શખ્સે તેણી સાથે બદકામ કરવાના ઈરાદે તેણીને પોતાની સાથે સુઈ જવા જણાવતા તેણીએ ના પાડતા ઉશ્કેરાઈ ગઈ ગાળોઆપી જાનથી મારી નાખવાના ઈરાદે છાતી-મોઢા, પીઠ-હાથ, ગાલ તથા શરીરના ભાગોમાં ઉપરા ઉપરી ૧૦થી ૧૧ જેટલા છરીના ઘા મારી ગંભીર રીતે ઘવાયેલ યુવતીને રામબાગ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરાતા બનાવ પ્રકાશમાં આવતા પીઆઈ બી.એસ. સુથાર, રાઈટર હરપાલસિંહ રાણા તથા ડીસ્ટાફ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે તથા હોસ્પિટલ ધસી ગયો હતો. જ્યાં તેણીની ફરિયાદ પરથી આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ બાબતે પીઆઈ બી.એસ. સુથારનો સંપર્ક સાધતા બનાવને અંજામ આપનાર શખ્સના ઘટના સ્થળે તથા આસપાસની દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ફુટેજ મળ્યા છે અને ટુંક સમયમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી રહે તેવું જણાવ્યું હતું. યુવતી ભાનમાં અને વધુ સારવાર માટે ભુજ ખસેડાઈ છે.