ગાંધીધામમાં મહિલા સાથે દુષ્કર્મ આચરી ત્રણ શખ્સોએ રોકડા પ૦ લાખ પડાવી લીધા

વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

ગાંધીધામ : સંકુલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસો દિવસ કથડતી હોય તેમ વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. જેમાં મહિલા સાથે દુષ્કર્મ આચરી ત્રણ શખ્સોએ વીડિયો વારયલ કરી દેવાની ધમકી આપી બળજબરીથી રોકડા રૂપિયા પ૦ લાખ પણ પડાવી લીધા હતા. આ ચકચારી ઘટના અંગે મહિલા દ્વારા ત્રણ આરોપીઓ સામે શહેર એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતા આરોપીઓ સુલેમાન ઉર્ફે કાકાડો મલુક હિંગોરજા, હાજી મલુક હિંગોરજા અને હુસેન મલુક હિંગોરજા સામે ફોજદારી ફરિયાદ નોંધાવામાં આવી છે.મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી સુલેમાને ફરિયાદી સાથે અવાર-નવાર ત્રણ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ પોતે કરેલ કૃત્યની વીડિયો ક્લિપ હોવાની હકીકત ફરિયાદીને જણાવી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી ત્રણેય આરોપીઓએ અલગ અલગ સમયે બળજબરીથી દબાણ કરી અંદાજીત રૂપિયા પ૦,૩પ,૦૦૦ પડાવી લીધા હતા તેમજ ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાક્રમનો સિલસીલો ઓગસ્ટ-ર૦ર૦થી શરૂ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જે અંગે ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. તપાસનીસ એ-ડિવિઝનના પીએસઆઈ એન.વી.રહેવરે જણાવ્યું કે, હાલમાં ગુનો દાખલ કરી ફરિયાદમાં જણાવાયેલા ત્રણેય આરોપીઓની શોધખોળ કરી ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.