ગાંધીધામમાં બારે મેઘ ખાંગા, શહેર થયું પાણી પાણી

આર્થિક પાટનગરના નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ : મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી : ભૂલકાઓ સહિત સૌ કોઈએ વરસાદની માણી મજા : સવારે ૯ વાગ્યાથી અનરાધાર વરસાદની હેલી : ઠેર ઠેર ગટરો ઉભરાઈ, વાહનો ફસાયા : નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી વરસાદના વહેણમાં તણાઈ : અંજાર, આદિપુર અને વાગડમાં પડ્યું ઝાપટું

(બ્યુરો દ્વારા)ગાંધીધામ : આર્થિક પાટનગર ગાંધીધામમાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. સવારે ૯ વાગ્યાથી શહેરમાં અનરાધાર વરસાદ શરૂ થયો છે. જોત જોતામાં બપોર સુધીમાં ૩ ઈંચ જેટલો વરસાદ આ શહેરમાં ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. સાથો સાથ ગટરો ઉભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનરાધાર વરસાદથી ગાંધીધામ શહેર પાણી પાણી થઈ ગયું હતું.જિલ્લામાં હાલ મેઘાવી માહોલ સર્જાયેલો છે. ગત રોજ જિલ્લા વ્યાપી વરસાદ પડ્યા બાદ આજે સવારથી પણ જિલ્લામાં ગોરંભાયેલો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ શહેરમાં સવારે હળવા છાંટા વરસ્યા બાદ ૯ વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો. એકી ધારે ધોધમાર વરસાદ વરસતા શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જેઠ મહિનામાં જ અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સતત અનારાધાર વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મળતી માહિતી પ્રમાણે શહેરના ચાવલા ચોક, ઝંડા ચોક, મેઈન બજાર, ભાઈ પ્રતાપ સર્કલ, ગાંધી માર્કેટ, જવાહર ચોક, લીલાશાહ સર્કલ સહિતના મુખ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.મુખ્ય વિસ્તારો પાણી પાણી થતાં ઘણા વાહનો બંધ પડી જવા જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. દુકાનો અને મકાનોમાં પાણી પ્રવેશેનહીં તે માટે નગરજનોએ કવાયત આરંભી માલ સમાન સલામત સ્થળે રાખવાની કામગીરી કરી હતી. તો શહેરના સુંદરપુરી, ૯/બી, ભારતનગર, સપનાનગર, ગણેશનગર, ૪૦૦ ક્વાટર્સ સહિતના રહેણાક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદથી ભૂલકાઓ સહિત સૌ કોઈએ ન્હાવાની મજા માણી હતી. જો કે ઠેર ઠેર ગટરો ઉભરાઈ જવાના કારણે લોકો હેરાન ગતિ અનુભવી હતી. તો માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનો પણ ફસાયા હતા. નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી વરસાદના વહેણમાં તણાઈ હોય તેમ અનારાધાર પ્રથમ વરસાદે શહેરીજનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તો આદિપુર, અંજાર અને રાપર શહેરમાં પણ સવારથી ઝરમર વરસાદ યથાવત રહ્યો હતો.

  • નાળા સફાઈની પોલમપોલનો પર્દાફાશ

ગાંધીધામ સુધરાઈની પ્રિમોનસુન કામગીરી પાણીમાં : શરૂઆતી છાંટામાં ઠેરઠેર જળભરાવ

નાળા સફાઈ થઈ નથી અને વરસાદ થતા જ નાળા સફાઈનું પેમેન્ટ પણ મળી જશે : નાળા સફાઈ ઠેકેદારને ખબર જ હતી કે આપણે નજરે ચડે તેવા ઠેકોણે જ સાફ-સફાઈ કરવાની કામગીરી દેખાડવાની છે, સફાઈ થઈ ગઈના બીલો પણ બનાવી લેવાના અને નગરપાલીકાની થીયરી આ ઠેકેદાર બરાબર જાણે છે, એટલે જ તેને વાંધો આવવાનો નથી : જાણકારોનો ઈશારો

આજ રોજ સવારથી વરસેલા શરૂઆત વરસાદમાં જ શહેરની મુખ્ય બજારો સહિત અનેકસ્થળોએ ભરાયા પાણી : નાળા સફાઈ કરનારાઓના સુધરાઈના જવાબાદરો કેમ ન આમળે કાન..?

ગાધીધામ : ગાંધીધામ નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે આ કામગીરી માત્ર કાગળ પર જ થઈ અને તેના લાખો-કરોડોના મોટા બીલો ઉધારાઈ લેવાયા અને પ્રજાની હાલાકી જસની તસ જ પડી રહી હોવાનો વર્તારો વધુ એક વખત આજ રોજ સામે આવવા પામી ગયો છે.આજ રોજ સવારે વરસાદની હેલી વરસવા પામી હતી અને હજુ તો આ સિઝનનો પ્રારંભીક વરસાદજ હતો ત્યાં તો શહેરના મુખ્ય માર્ગોમાં જળભરાવ થઈ જવા પામી ગયો છે. મેઈન બજાર હોય કે વચલી બજાર અહી આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા ચિત્રો ઉભા થઈ ગયા હતા. તો વળી કેટલાક વિસ્તારોમાં તો દુકાનોમાં પણ પાણી ઘુસી ગયાની નોબત આવી ગઈ હતી. હજુ તો શરૂઆત વરસાદ છે અને તેમાં આવી ખરાબ હાલત થવા પામી જાય તો ગાંધીધામ નગરપાલીકાએ પ્રીમોન્સુન કામગીરી કરી જ છે શુ? નગરપાલીકાએ કરેલી પ્રીમોનસુન કામગીરી તો પાણીમાં જ જતી રહી હોય તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવયા. તો વળી બીજીતરફ શહેરના મુખ્ય વિસ્તારોમાં કયાય પાણી ન ભરાય તે માટે ખાસ કરીને લાખોના ખર્ચે નાળા સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ નાળા સફાઈની કામગીરી પણ માત્ર નામપુરતી જ કરવામા આવી હોય તેવી રીતે શહેરમાં જળભરાવની સ્થિતી સર્જાવવા પામી રહી છે. આ પહેલા પણ નાળાની સફાઈની કામગીરીમા પોલમપોલની કેટલીય આલબેલ અહીથી પોકારી છતા પણ સુધરાઈના શાસકો આંખે પાટ્ટા બાંધીને જબેઠા હોય તેમ તસ્દી ન લીધી પણ હવે વરસાદમાં આ પોલ ખુલ્લી જ રહી છે તેવા સમયે તો સુધરાઈના જવાબદારો સ્થળ મુલાકાત લે, નાળા સફાઈમાં લોટ પાણીને લાકડાનો તાલ કરનારાઓને દંડે અને સફાઈ વ્યવસ્થિત કરાવડાવે તે જરૂરી બની રહ્યુ છે. કારણ કે, હજુ તો ચોમાસુ આખુય બાકી જ પડયુ છે.