ગાંધીધામમાં ફરી ક્રિકેટનો સટ્ટો ઝડપાયો : એક શખ્સની કરાઈ ધરપકડ

ભારત-ઈંગ્લેન્ડની મેચ પર ઓનલાઈન સાઈટ મારફતે રમાડાતો હતો સટ્ટો : પોલીસે ૧ર હજારની રોકડ તેમજ એક મોબાઈલ સહિત ૩ર હજારનો મુદ્દામાલ કર્યો કબજે

ગાંધીધામ : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન રમાતા સટ્ટાનો ગાંધીધામમાં ફરી એકવાર પર્દાફાશ થયો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે હોટલ ગ્રીન પેલેસની સામે દરોડો પાડીને એક બુકીને ૩ર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ટી-ર૦ ક્રિકેટ મેચ પર ગાંધીધામમાં સરાજાહેર સટ્ટાનો જુગાર રમવામાં આવતો હતો. જેની બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝુલેલાલ મંદિર પાસે રહેતા દિવ્યેશ દીપકકુમાર તુંગારિયા (ઉ.વ. ર૩)ની ધરપકડ કરી હતી. આરોપી ડાયમન્ડ એક્સચેન્જ નામની સાઈટ પર ઓનલાઈન રૂપિયાની હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે આરોપીના કબજામાંથી રોકડા રૂપિયા ૧ર હજાર તેમજ રૂા.ર૦ હજારનો એક મોબાઈલ મળીને કુલ ૩ર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરૂદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.